- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહત્ત્વનો નિર્ણય કર્યો
- ફી ભરવાની મુદ્દતમાં 6ઠ્ઠી અને 7મી ફેબ્રુઆરી એમ બે દિવસનો વધારો કરાયો
- પોલીસ તંત્રમાં આઉટસોર્સ નહીં, સીધી જ ભરતી થશે !
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક 212/2023- 2024 હેઠળ વર્ગ- 3ની જૂનિયર ક્લાર્ક સહિતની 5,202 જગ્યાઓમાં ફરીથી વધારો કર્યો છે. સોમવારે સાંજે સ્પર્ધાત્મક ઉમદેવારના વ્યાપકહિતમાં કરાયેલા બે મહત્ત્વના નિર્ણયોમાં ચાલુ ભરતી પ્રક્રિયામાં ફરીથી 352 જગ્યા ઉમેરાતા હવે 5,554 જગ્યાઓ માટે ભરતી થશે. જ્યારે 31મી જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી બીજી ફેબ્રુઆરી સુધીની અવધિમાં જેમને ફી ભરવાની રહી ગઈ હતી તેવા ઉમેદવારો માટે ઓનલાઈન પેમેન્ટ માટે 6ઠ્ઠી અને 7મી ફેબ્રુઆરી એમ બે દિવસનો મુદ્દત વધારો આપવામાં આવ્યો છે.
એપ્રિલ કે મેમાં યોજનારી ઓનલાઈન પરીક્ષા હેઠળની આ ભરતીમાં ગૌણ સેવા પસંદગી મંડળે 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી. 31મી જાન્યુઆરીએ ઉમેદવારી કરવાની અવધિ પૂર્ણ થાય તે પહેલા મંડળે 898 જગ્યાનો વધારો કર્યો હતો. ટોચના અધિકારીએ કહ્યું કે, આ ભરતીમાં કુલ 5.74 લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફોર્મ થયા છે. જો કે, તેમાંથી 5.14 લાખની ફી ભરપાઈ થઈ શકી હતી. ઉમેદવારોની રજૂઆતોને પગલે જેઓ ફી ભરવામાં સફળ રહ્યા નથી તેમના માટે ખાસ કિસ્સામાં 6ઠ્ઠી અને 7મી ફેબ્રુઆરી એમ બે દિવસનો વધારો કરાયો છે. જેથી ઉમેદવારને અન્યાય થાય નહી.
પોલીસ તંત્રમાં આઉટસોર્સ નહીં, સીધી જ ભરતી થશે !
લાંબા સમયથી પોલીસ તંત્રમાં ખાલી પડેલી 556 જૂનિયર ક્લાર્કની ભરતી ન થતા વહિવટી કામકાજ માટે જૂનિયર ક્લાર્કની સેવા આઉટસોર્શિંગથી મેળવી લેવા DGPએ આદેશ કર્યો હતો. આ બાબતે માંગણા પત્રકો મોકલાયા બાદ ક્ષતિ સુધારણામાં ઉદાસિનતા બહાર આવતા ગૃહ વિભાગે તાબડતોબ ગૌણ સેવા પસંદગી મંડળને જાહેરાત ક્રમાંક 212/2023- 2024માં 223 જેટલી જગ્યા ઉમેરવા વિનંતી કરી છે. આથી, હવે પોલીસ કમિશનરેટ, રેન્જ કે બ્રાંચની કચેરીઓને આઉટસોર્શિંગથી 11 મહિનાની મુદ્દતે જૂનિયર ક્લાર્કની સેવાઓ લેવાને બદલે આ સેવા સીધી ભરતીથી ઉપલબ્ધ થશે.


