- સ્માર્ટ રોડના દિવા સ્વપ્ન ફૂટપાથ પુરતા સિમિત
- પવિત્ર પીપળાના બે વૃક્ષ પ્રારંભે જ કાપી નાખ્યાં
- ધોમ ધખતા તાપમાં છાંયડો નહી મળે તે નિશ્ચિત
દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. ત્યારે ચાકલીયા રોડ પર રોડ પહોળા કરવાની કામગીરી અંતર્ગત પ્રાચીન વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામા આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.આવનાર સમયમાં રસ્તા તો પહોળા મળશે પણ ધોમ ધખતા તાપમાં છાંયડો નહી મળે તે નિશ્ચિત છે.
દાહોદમાં કરોડોના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ રોડ બનાવવા આ પહેલા ગત વર્ષે 200 જેટલી પાકી દુકાનો તોડી પાડવામા આવી હતી અને અસરગ્રસ્ત વેપારીઓ માટે હજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારબાદ સ્માર્ટ રોડ બનાવવાની કામગીરીમાં રસ્તો ખાસ્સો પહોળો થઈ ગયો છે. કારણ કે જે ખુલ્લી જગ્યા હતી તેનો ઉપયોગ કરીને રોડ પહોળો કરવાને બદલે ખાલી જગ્યામા ફુટપાથ બનાવ્યા છે અથવા તો પેવર બ્લોક નાખી દેવાયા છે.આવા ફુટપાથ પર વાહન પાર્કિંગ થાય છે અથવા તો લારી ગલ્લાના દબાણો થયેલા છે. ચાકલીયા રોડના નવીનીકરણની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામા આવી રહી છે. રસ્તો પહોળો કરવા આગળના કરેલા બાંધકામ કે ફેન્સીંગ તોડી પડાયા છે. આ રોડ પહેલેથી જ ખાસ્સી પહોળાઈ ધરાવે છે અને આ રસ્તા પર થોડા થોડા અંતરે અતિ પ્રાચીન જુદા જુદા વૃક્ષો આવેલા છે. તારીખ 5 માર્ચના રોજ આ પૈકીના તોતિંગ અને લીલાછમ વૃક્ષો એકાએક જ કાપી નાખવામા આવ્યા છે.જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓમા પણ ગુસ્સાની લાગણી ફેલાયેલી છે.
સ્માર્ટ રોડના નામે માત્ર પહોળા રસ્તા જ ?
દાહોદ સ્માર્ટ સીટીમાં સ્માર્ટ રોડ આ પહેલા અદ્યતન બનશે તેવી વાત હતી.અહીં સ્માર્ટ પોલ, ફઉન્ટેન, ગાર્ડન, સિટીંગ સ્પોટ હોવાનુ કહેવાતુ હતું. ત્યારે હાલ બનતા સ્માર્ટ રોડમાં રસ્તાના માત્ર પટ પહોળા થઈ રહ્યા છે અને આવી સુશોભન અને સુવિધાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનુ અનુભવાઈ રહ્યુ છે.


