બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
વિષ્ણુ ભગવાન પંચધીર છે, પંચધર્મા છે
સાધનામાં શરીરએ પ્રથમ પગથિયું છે, શરીર અને મોક્ષનો દરવાજો છે
લેબલ વાળા નહીં, લેવલ વાળા સાધુ પાસે બેસો
ઉત્તરાખંડની અચલ પહાડીય-સંગમીય પ્રકૃતિરમ્ય, નયનરમ્ય, કુદરતના સૌંદર્યથી ભરપૂર એવી વિષ્ણુ પ્રયાગના ગોવિંદઘાટની ભૂમિ પરથી પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ વિષ્ણુપ્રયાગ’ સાતમા દિવસના પડાવ પર પહોંચી હતી. બાપુએ કથાના કેન્દ્રીય વિષય સંદભે વાત કરતા કહ્યું હતું કે જયાં પ્રયાગ હોય ત્યાં ત્રણ વસ્તુ વિશેષ હોય, ત્રણ વસ્તુની પ્રધાનતા હોય. (૧) જયાં પ્રયાગ હોય ત્યાં સંગમ જરૂરી છે. અર્થાત ત્રણ નદીઓ મળવી જોઇએ. અહીં વિષ્ણુ પ્રયાગમાં પણ ત્રણ નદીઓનો સંગમ છે. (૧) ગંગા, (૨) અહીં સૂર્ય છે એટલે સૂર્યપુત્રી યમુના પણ હશે અને (3) સરસ્વતી, વિષ્ણુ વૈકુંઠમાં રહે છે. વૈકુંઠમાં વિષ્ણુને જગાડવા માટે નારદ અને સરસ્વતી વીણા બજાવે છે એ અર્થમાં અહીં સરસ્વતી પણ છે (૨) જયાં પ્રયાગ હોય ત્યાં અક્ષયવટ હોય જ અહીં જેટલા પર્વતો, પહાડો અચલ બનીને ઉભા છે એ બધા જ અક્ષયવટ છે. અટલ વિશ્વાસ એ અક્ષયવટ છે. વિશ્વાસ પણ અનેક જગ્યાએ હોય, કોઇની આંખોમાં કોઇના ચરણોમાં વગેરે…ચરણોનો વિશ્વાસ ઉત્તમ છે. (3) જયાં પ્રયાગ હોય ત્યાં માધવ પણ હોય જ. અહીં માધવ કોણ? ભગવાનના એક હજાર નામ છે. એમાંથી માધવ એ વિષ્ણુનું નામ છે. જયાં પ્રયાગ હોય ત્યાં આ ત્રણ વસ્તુની પ્રધાનતા હોય જ છે.
વિષ્ણુ ભગવાન પંચધીર, પંચધર્મ છે. જેને પોતાના મનને સ્થિ-ધીર કરવું છે એના માટે જગદગુરૂ શંકરાચાર્ય કહે છે, આપણા ત્રણ જેટલા ધીમા ચાલે તો મન ધીરે ધીરે સ્થિર થશે. ઓશો કહેતા-આઇન્સ્ટાઇન બહિર્જગતના વૈજ્ઞાનિક છે. પતંજલિ આંતરજગતના વૈજ્ઞાનિક છે. આ બહુ આવકાર્ય વિધાન છે. ઓશોનું સાધના માટે શરીર એ પ્રથમ પગથિયું છે. સાધના કરવી હોય તો તેમાં શરીર પ્રધાન છે. એ પછી મન, ચિત, અહંકાર વગેરે વગેરે…શરીરએ મોક્ષનો દરવાજો છે. બીજુ સત્સંગ, કોઇ સાધુ પાસે બેસો. લેબલવાળા નહીં પણ લેવલ વાળા સાધુ પાસે બેસવું. ધીમે-ધીમે મન પોતાની ગતિમાં આવવા લાગશે. ત્રીજુ વાસનાનો ત્યાગ જેનું હૃદય શિતલ છે. વિષયોથી મુકત છે. તેનું મન હરિચરણની ભકિતમાં લીન થશે અને મુકિત હાથવગી થશે. એક શ્રાવકની જિજ્ઞાસા હતી કે બાપુ, હું બહુ તામસી છું. મારામાં તમોગુણની માત્રા ખૂબ વધારે છે. જેને કારણે ભજન નથી થતું. જવાબ: આ સ્વિકાર ખૂબ સારો છે. સ્વીકાર એ મહામંત્ર છે. મૌન અને સંતોષ પણ મહામંત્રો છે. બાપુએ કહ્યું કે એનો એક જ ઉપાય છે, બંધ મૂઠ્ઠી ખોલી દો, મુકત જ છો. આ ખૂબ સરળ છે. જગદગુરૂ શંકરાચાર્યએ કીધુ છે. બે વસ્તુ રોજ ગાઓ. (૧) ગીતાને ગાઓ અને (૨) વિષ્ણુ સહસ્ત્રનામ. નિરંતર વિષ્ણુનું ધ્યાન કરો. મનને સત્સંગમાં લગાઓ, જેને જરૂરિયાત છે તેને તમારા ધનનું વિતરણ કરો અને પછી ભજગોવિંદમ.
ભારત રત્ન મદન મોહન માલવિયાજી પાસે એક માણસ ગયો. અને કહ્યું કે મને સો ગાળો આપો, મને ક્રોધ નહીં આવે. ત્યારે મદન મોહને ખૂબ સરસ જવાબ આપ્યો. એમણે પેલા માણસને કહ્યું કે એ તો બરાબર કે તને ક્રોધ નહીં આવે પણ હું શું કામ સો ગાળો બોલીને મારૂ મોઢું મારી જીભ ગંદી કરૂ!? બાપુએ બાલકાંડની કથા સંક્ષિપ્તમાં કહીને કથાને વિરામ આપ્યો હતો.
કથારત્નો
- નાસ્તિક અને અસ્તિક એ સાપેક્ષ છે
- જેનું હૃદય શિતલ છે, વિષયીમુકત મન છે, તેની મુઠ્ઠીમાં મૂકિત છે
- વિકલ્પ યાત્રામાં રૂકાવટ લાવે છે
- પ્રિયનું એઠું પણ ખાઇ શકાય
- જય જય વિઠ્ઠલ, વિઠ્ઠલ વિઠ્ઠલા, માઝા વિઠ્ઠલ પાંડુરંગા….
- ગરીબો કી સૂનો, વો તુમ્હારી સૂનેગા, તુમ એક પૈસા દે દો, વો દસ લાખ દેગા!!


