- રૂ.581 કરોડના ખર્ચે આકાર પામતા લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટનું નિરીક્ષણ
- સિવિક સેન્ટરમાંથી ભૂપેન્દ્ર પટેલ અરજદારોને દાખલા, પ્રમાણપત્રનું વિતરણ કર્યું
- GUDC દ્વારા આ માટે ટૂંક જ સમયમાં 71 જેટલા ફાયર વ્હિકલ્સ એન્ડ ઈક્વિપમેન્ટની ખરીદી કરવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરથી રાજ્યની 31 નગર પાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનું ઈ- લોકાર્પણ કર્યુ હતું. બાલાસિનોર પાલિકામાં ખુલ્લા મુકવામાં આવેલા સિવિક સેન્ટરનું તેમણે નિરીક્ષણ કરીને લાભાર્થીઓને દાખલા, પ્રમાણપત્રો પણ વિતરણ કર્યા હતા.
આ મુલાકાત વેળાએ તેમણે મહિસાગર અને ખેડા જિલ્લાના પાંચ તાલુકાના 125 ગામો અને 81,00 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડનારા રૂપિયા 581 કરોડના ખર્ચે નિર્માણાધીન લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રોજેક્ટ કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, ઠાસરા, બાલાસિનોરના 125 ગામોને વણાકબોરી વિયરની ઉપરવાસના ભાગેથી મહિ નદીનું પાણી ઉદવહન કરીને સિંચાઈ પુરી પાડવા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂ.581 કરોડનો છે.
54 નગરપાલિકાને 71 ફાયર વ્હિકલ, ઈક્વિપમેન્ટ્સ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 54 નગરપાલિકાઓને અગ્નિશમનના સાધાનો, વાહનોની ખરીદી માટે રૂ.63 કરોડની ફળવણી કરી છે. GUDC દ્વારા આ માટે ટૂંક જ સમયમાં 71 જેટલા ફાયર વ્હિકલ્સ એન્ડ ઈક્વિપમેન્ટની ખરીદી કરવામાં આવશે.
મોડેલ સ્કૂલના બાળકોને જોઈ કોન્વોય રોક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાલાસિનોરથી રૈયોલી જતા હતા ત્યારે રસ્તામાં મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને રસ્તા ઉપર જોઈને તેમણે કોન્વોય રોકાવ્યો હતો. બાળકો પાસે પહોંચીને તેમણે સ્કૂલના શિક્ષણ, વર્ગખંડ ભોજન અંગે સંવાદ કર્યો હતો.


