- મુખ્યમંત્રી કક્ષમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો
- ચાર્જ સંભાળતાની સાથે જ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂક્યો
- ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
મધ્ય પ્રદેશમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોહન યાદવે મુખ્યમંત્રી બનતાની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે. સીએમ બન્યા બાદ તેમણે પહેલો આદેશ જાહેર કરીને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ અનુસાર ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.
પૂજા અર્ચના કરીને મુખ્યમંત્રીએ સંભાળ્યો ચાર્જ
જણાવી દઈએ કે મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રી કક્ષમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પહેલો આદેશ આપી દીધો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
સરકાર દ્વારા જાહેર કરવામાં આદેશના પરિપત્રની કોપી પણ સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘નિર્ધારિત ડેસિબલનું ઉલ્લંઘન કરીને વિવિધ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘોંઘાટ વ્યક્તિની કામ કરવાની, આરામ કરવાની અને ઊંઘવાની ક્ષમતામાં દખલ કરે છે. ઘોંઘાટીયા વાતાવરણને કારણે શરીરમાં હાઈ બીપી, બેચેની, માનસિક તણાવ, અનિદ્રા જેવી અસરો જોવા મળે છે. તેનાથી કાનના અંદરના ભાગમાં પણ સમસ્યા થાય છે.”
કોપીમાં આગળ લખવામાં આવ્યું છે કે લાઉડ સ્પીકર અને હોર્ન ઉપરાંત ખાનગી આવાસોમાં પણ ઉપયોગમાં વ્યાપક દિશા નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આ સંદર્ભમાં આપવામાં આવેલ નિર્ણય અંતર્ગત જાહેર કરવામાં આવેલ છે.


