- મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી
- 230 બેઠકો પર આજે મતદાન
- સીએમ શિવરાજસિંહે સિહોરમાં કર્યુ મતદાન
મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. સામાન્ય મતદારોની સાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ મતદાન કરવા આવી રહ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમના પરિવાર સાથે સિહોરના જેતમાં મતદાન કરવા પહોંચ્યા હતા. સીએમએ તેમના પરિવારના સભ્યો સાથે સિહોર જિલ્લાના આદર્શ મતદાન કેન્દ્ર ગામ જેતની સરકારી માધ્યમિક શાળાના બિલ્ડીંગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે સીએમ શિવરાજસિંહ ચૌહાણ તેમની પરંપરાગત બેઠક બુધની વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
મતદાન પહેલા મંદિરે માથુ ટેકવ્યુ
સીએમ શિવરાજસિંહ મતદાન કરવા ગયા પહેલા માતા નર્મદાની પૂજા કરી હતી. તેઓએ જેત ગામના મંદિરે પહોંચી ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેમના પત્ની સાધના સિંહ પણ તેની સાથે જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિરની બહાર મુખ્યમંત્રીને ઘેરી લીધા હતા અને તેમને તિલક લગાવ્યું હતું. મુખ્યમંત્રીએ હાજર તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કર્યુ વોટિંગ
રાજ્યના ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર ડો.નરોત્તમ મિશ્રાએ દતિયામાં મતદાન કર્યું હતું. મતદાન કરતા પહેલા તેઓ પિતાંબરા પીઠ પહોંચ્યા હતા અને મા પીતાંબરા અને વનખંડેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતા. નરોત્તમ મિશ્રાએ પણ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને ધૂમાવતી માઁના દર્શન કર્યા હતા.