ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે રવિવારે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે. સીએમ યોગી પહેલા વડાપ્રધાન મોદીને મળ્યા અને પછી તેઓ જે.પી.નડ્ડાને મળ્યા હતા.
વડાપ્રધાન મોદીને મહાકુંભ 2025 માટે પ્રયાગરાજ આવવાનું આમંત્રણ આપ્યું
પીએમ સાથે CM યોગીની મુલાકાત 1 કલાકથી વધુ સમય ચાલી હતી. સૂત્રોએ જણાવ્યું કે સીએમ યોગીએ વડાપ્રધાન મોદીને મહાકુંભ 2025 માટે પ્રયાગરાજ આવવાનું આમંત્રણ આપ્યું હતું. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે CM યોગી અને નડ્ડાએ રાજ્યમાં આગામી પેટાચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી.
UPમાં પેટા ચૂંટણી પહેલા આ બેઠક ખુબ જ મહત્વની
7 લોક કલ્યાણ માર્ગ પર આયોજિત આ બેઠકમાં 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો પછી બંને નેતાઓ વચ્ચે પ્રથમ ચર્ચા છે. સીએમની આ મુલાકાત 13 નવેમ્બરે યોજાનારી મહત્વની પેટા ચૂંટણીના થોડા દિવસો પહેલા થઈ હતી. કુલ 9 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે, જેમાંથી હાલમાં 5 બેઠક ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) પાસે છે અને 4 બેઠક વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP) પાસે છે.
1 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક દિવાળી પછી યુપીના મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત હોવાનું કહેવાય છે. જો કે રાજ્યની 9 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી પહેલા તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જે 9 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, તેમાંથી 5 ભાજપના નેતૃત્વવાળી એનડીએ અને 4 સમાજવાદી પાર્ટી (એસપી) પાસે છે.
સરકાર મહાકુંભમાં 7000 બસ દોડાવશે
આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડવેઝ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે UP SRTC મહાકુંભમાં 7000 બસ દોડાવશે. આ પહેલનો ઉદ્દેશ્ય પ્રયાગરાજ આવતા શ્રદ્ધાળુઓને સુવિધા આપવાનો છે. 7000 બસના કાફલામાં 200 ઈલેક્ટ્રીક બસોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે વધુ બસોનો પણ સમાવેશ કરવામાં આવશે.