– ઇન્ડોનેશિયાથી સસ્તો કોલસો ભારતમાં લાવી બમણી કિંમત વસૂલ કરતા
– 32 મહિનામાં 30 શિપમેન્ટમાં આયાતી કોલસાના ભાવ બમણો થઇ ગયો હોવાનો બ્રિટીશ અખબારનો અહેવાલ
– અદાણીનું કોલસા આયાતનું રૂ.32,000 કરોડનું કૌભાંડ કોઇપણ સરકારને ઉથલાવી શકે : રાહુલ ગાંધી
અમદાવાદ : અદાણી જૂથની કથિત ગેરરીતિઓ અને વિપક્ષોના આક્ષેપ ફરી સપાટી ઉપર આવી ગયા છે. ગત સપ્તાહે લંડનથી પ્રકાશિત થતા અગ્રણી બિઝનેસ દૈનિક ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં એક એવો અહેવાલ આવ્યો હતો કે કોલસાની આયાત સામે અદાણી જૂથ દ્વારા ઇન્ડોનેશિયાથી કાર્ગો જહાજમાં ભારત પહોચે તેમાં ભાવ ફેરફાર કરવાની, ઇન્ડોનેશિયાના સસ્તા કોલસાની ભારતમાં ઊંચા ભાવે આયાત કરવાની ગેરરીતિ કરી રહ્યું છે. આ મામલે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અદાણી ઊંચા ભાવે આયાત બતાવી રહ્યા હોવાથી ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે.
અખબારનો અહેવાલ ટાંકતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાથી ભારત કોલસો પહોચે ત્યારે ભાવ બમણો થઇ જાય છે. આ પ્રક્રિયામાં અદાણીએ ગરીબોના ખિસ્સામાંથી રૂ.૧૨,૦૦૦ એકત્ર કરી લીધા છે. ઊંચા ભાવના કોલસાના કારણે ભારતમાં વીજળી મોંઘી થઇ રહી છે. ભારતીય પ્રસાર માધ્યમમાં આ અહેવાલ આવ્યા નથી. આ અહેવાલ કોઇપણ સરકારને સત્તા ઉપરથી ઉથલાવી શકે એમ છે.
ગૌતમ અદાણીની માલિકીની અદાણી એન્ટરપ્રાઈસ દ્વારા ઇન્ડોનેશિયાથી કોલસાની નિકાસ વખતે જાહેર કરવામાં આવેલા ભાવ, જથ્થો અને તેની ભારતમાં આયાત સમયે બંદર ઉપર જાહેર કરવામાં આવેલા ભાવ અને જથ્થાના આંકડાની સરખામણી કરી ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સે ૩૨ મહિનાના સમયગાળામાં ૩૦ જેટલા કોલસાના શિપમેન્ટની તપાસ કરી જણાવ્યું હતું કે ત્યાંથી નિકાસ અને ભારતમાં આયાત સમયે ભાવમાં ૭ કરોડ ડોલર એટલે કે રૂ.૫૮૧ કરોડનો તફાવત જોવા મળે છે. અહેવાલમાં ઉદાહરણ ટાંકતા અખબાર જણાવે છે કે ઇન્ડોનેશિયાના કાલિયોરાંગ બંદરથી ૭૪,૮૨૦ ટન કોલસો લઇને એક જહાજ ભારત નીકળે છે. આ સમયે કોલસાની કિંમત ૧૯ લાખ ડોલર અને સ્થાનિક્ ખર્ચ ૪૨,૦૦૦ ડોલર દર્શાવવામાં આવી છે. જયારે આ જહાજ મુન્દ્રા બંદર પહોચે છે ત્યારે તેનો ભાવ ૪૩ લાખ ડોલર થઇ જાય છે એવી કસ્ટમના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. આવા કુલ ૩૦ શિપમેન્ટ ભારતમાં અદાણીએ આયાત કર્યા હતા જેમાં ૩૧ લાખ ટન કોલસાની આયાત થઇ છે. નિકાસ સમે તેનો ભાવ ૧૩.૯ કરોડ ડોલર અને અન્ય ખર્ચા ૩૧ લાખ ડોલર દર્શાવેલા છે. ભારતમાં આયાત સમયે કસ્ટમ સમક્ષ તેનું મૂલ્ય ૨૧.૫ કરોડ ડોલર બતાવવામાં આવ્યું છે અને આમ અદાણીએ ૭.૩ કરોડ ડોલરનું ઓવર ઇન્વોઇસિંગ (મૂળ કિંમત કરતા ઊંચા ભાવ દર્શાવ્યા છે) કર્યું છે. અહેવાલ વધુમાં નોંધે છે કે ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડે પણ ઊંચા કોલસાના ભાવ બતાવનાર અદાણી પાસે નાણા પરત માંગતી નોટીસ પાઠવી છે.
અગાઉ, ડીઆરઆઈએ અદાણી જૂથ સામે કોલસાની આયાતના ઊંચા ભાવ દર્શાવવાનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં અદાણીની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો. અદાણીએ નવા અહેવાલ અંગે જણાવ્યું હતું કે જૂની વાતો ફરીને ફરી વાંચકો સમક્ષ પીરસી કંપની અને જૂથને બદનામ કરવા માટે, નુકસાન પહોંચાડવા માટે અહેવાલ વહેતા કરવામાં આવી રહ્યા છે જેમાં ભારત વિરોધી તત્વો સામેલ છે.
આયાતી કોલસાના ભાવ વધારાને નામે તગડો નફો કરી રહેલી વીજટેન્ડરો મેળવતી કંપનીઓ
એક તરફ ગુજરાત સરકાર પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછી ક્ષમતાએ વીજળીનું ઉત્પાદન કરીને ખાનગી વીજ ઉત્પાદકોને લાભ કરાવી રહી છે. બીજીતરફ ખાનગી વીજ ઉત્પાદકો પાસે ટેન્ડર પર વીજપુરવઠો મેળવે છે. આ ટેન્ડર પર વીજ ખરીદી કરવામાં આવે ત્યારે એટલે કે ટેન્ડરમાં વીજ સપ્લાયના ઓછા ભાવ દર્શાવવામાં આવે છે. આ રીતે ટેન્ડર હાંસલ કરી લેવામાં આવે છે. ટેન્ડર ભરતી વખતે કંપનીઓ કોલસાનો ભાવ વધશે તો વીજ ભાવ વધાર લેવાશે તેવી શરત પણ મૂકે જ છે. આમ ટેન્ડર મળી ગયા પછી ચાર છ મહિના સપ્લાય આપ્યા બાદ આયાતી કોલસાના ભાવ વધી ગયા હોવાનું કારણ આગળ કરીને ટેન્ડર મેળવનારી કંપની ભાવ વધારો માગે છે. સરકાર તેનો ભાવ વધારો ન માન્ય રાખે તો વીજ સપ્લાય અટકાવી દેવા સુધી અદાણી પાવર અને એસ્સાર પાવર ગયાના દાખલા છે.
આમ નીચા ભાવના ટેન્ડર ભરીને બીજા સપ્લાયર્સની એન્ટ્રી બંધ કરાવી દેવામાં આવે છે. તેમ જ સરકારી વીજ કંપનીઓના ે મેજર પાવર સપ્લાયર તરીકે પોતાની મોનોપોલી ઊભી કરી લે છે. ત્યારબાદ ટેન્ડર પ્રમાણે સપ્લાય ચાલુ કર્યાના ચારથી છ મહિનામાં આયાતી કોલસાના ભાવ વધી ગયા હોવાને નામે બૂમરાણ મચાાવી દે છે. તે પછી ટેન્ડરના ભાવથી વીજ સપ્લાય આપવો પરવડે તેમ ન હોવાનું જણાવીને ભાવ વધારાની દરખાસ્ત મૂકે છે. ગાંધી વૈદ્યનું સહિયારું એ ઉક્તિ પ્રમાણે સરકાર આ દરખાસ્તને સરકાર ન સ્વીકારે એટલે વીજ કંપનીઓ સામે કોર્ટના દરવાજા ખખડાવે છે. કોર્ટ તેમને ભાવ વધારો કરી આપવાનો ચૂકાદો આપે છે. આમ સરકારે ઇન્ડસ્ટ્રીને ફેવર કરી હોવાનું દેખાતું નથી. સરકાર તો કહે અમે નહોતા ઇચ્છતા પણ કોર્ટે ભાવ વધારો કરી આપવા મંજૂરી આપતો ચૂકાદો આપ્યો છે. આ પ્રકારનો ડ્રામા નિયમિત પણે થતો રહે છે.એસ્સાર પાવર, અદાણી પાવર સહિતની ખાનગી વીજ સપ્લાયર કંપનીઓને ઊંચા ભાવથી વીજ સપ્લાય આપવાનો માર્ગ મોકળો કરી આપવામાં આવે છે.