શરદી, ઉધરસ અને સામાન્ય તાવના કેસમાં ઉછાળો, ૮૨૬ કલોરીન ટેસ્ટ કરાયા
માત્ર અઠવાડીયામાં સરકારી ચોપડે ૨૦૫૨ દર્દીઓ નોંધાયા : ખાનગીના આંકડા અદ્રશ્ય : કમળાના બે કેસ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગાંધીનગરમાં ટાઇફોડના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં પણ તેવી અસર ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. છેલ્લે એક સપ્તાહમાં રાજકોટમાં શરદી-ઉધરસના ૧૦૮3, સામાન્ય તાવના ૭૨પ, ઝાડા ઉલ્ટીના ૨૪૨ અને કમળાના બે દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા હતા. આરોગ્ય વિભાગે ૮૨૬ જેટલા કલોરીન ટેસ્ટ કર્યા છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૦૫/૦૧/૨૦૨૬ થી તા.૧૧/૦૧/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૩૪૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૬૦૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૯૬ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૬૮ અને કોર્મશીયલ ૨૯ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


