- દેશના ઘણા ભાગોમાં ફૂંકાતા પવનો બે દિવસ પછી શાંત થઈ જશે
- હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવની શક્યતા
- કોસ્ટલ આંધ્ર અને તામિલનાડુમાં 9 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના
હવામાન વિભાગે કહ્યું કે આગામી બે દિવસ સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ફૂંકાતા પવનો બે દિવસ પછી શાંત થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશના ઉત્તરીય ભાગો, ગ્વાલિયર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ અને પંજાબના અલગ-અલગ સ્થળોએ આગામી 24 કલાકમાં કોલ્ડવેવની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે 10 ફેબ્રુઆરીથી આ સ્થળોએ હવા સામાન્ય થઈ જશે. કોસ્ટલ આંધ્રપ્રદેશમાં 9 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. તામિલનાડુમાં 9 અને 10 ફેબ્રુઆરીએ કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 9 ફેબ્રુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 10 ફેબ્રુઆરી પછી વરસાદની કોઈ શક્યતા નથી.
ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના કેટલાંક સ્થળોએ 9 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે.
ઓડિશાના કેટલાંક સ્થળોએ 11 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. તો, 12 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 અને 14 ફેબ્રુઆરીએ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં એક-બે જગ્યાએ હિમવર્ષા થવાની શક્યતા છે.


