ગાઝામાં યુદ્ધવિરામ થઈ ગયો છે. પરંતુ અહીં તબાહીના કારણે સ્થિતિ ખરાબ છે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી ઠંડીના મોજાને કારણે છેલ્લા બે સપ્તાહમાં મૃત્યુ પામનાર શિશુઓની સંખ્યા વધીને છ થઈ ગઈ છે. ઈઝરાયેલના હુમલાથી તબાહ થઈ ગયેલા આ વિસ્તારમાં ઠંડા હવામાને તબાહી મચાવી દીધી છે. ગાઝા હેલ્થ ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ મુનીર અલ-બુર્શે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગંભીર ઠંડીના કારણે મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા વધીને છ થઈ છે.
ગાઝામાં યુદ્ધ બાદ ઠંડીનો પ્રકોપ
શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં ઠંડીના કારણે જીવ ગુમાવનારા બાળકોની કુલ સંખ્યા 15 થઈ ગઈ છે. અલ-બુર્શે ચેતવણી આપી હતી કે આરોગ્ય સંકટ વધુ ખરાબ થઈ શકે છે, કારણ કે તબીબી સુવિધાઓને નુકસાન આ પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસર કરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલો, ખાસ કરીને બાળ ચિકિત્સાલયો, સંસાધનોની અછત અને વારંવાર પાવર કટને કારણે જરૂરી સારવાર આપવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અગાઉ મંગળવારે ગાઝા સિટીમાં ‘ફ્રેન્ડ્સ ઑફ ધ પેશન્ટ’ ચેરિટેબલ હોસ્પિટલના ડિરેક્ટર સઈદ સલાહે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક કલાકોમાં અતિશય ઠંડી અને આશ્રયસ્થાનોમાં ગરમીના અભાવને કારણે ઓછામાં ઓછા ત્રણ શિશુઓ મૃત્યુ પામ્યા છે. ગાઝામાં તાજેતરના દિવસોમાં ભારે પવન, ભારે વરસાદ અને ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
બાળકોની સંભાળ રાખવામાં અસમર્થ
ખરાબ હવામાનને કારણે, સેંકડો તંબુઓ ઉખડી ગયા છે અને ઘણા શરણાર્થી શિબિરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હજારો પરિવારોની સમસ્યાઓમાં વધારો થયો છે. નજીકના પૂર્વમાં પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સીએ અગાઉ ગાઝામાં નવજાત શિશુઓ માટે વધતા જોખમોની ચેતવણી આપી છે. એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે બગડતી પરિસ્થિતિ અને સલામત આશ્રયસ્થાનોની તીવ્ર અછતને કારણે, 7,700 બાળકોને જરૂરી તબીબી સંભાળ મળી રહી નથી.


