- વાહનો કે મુદ્દામાલની ચોરીના કેસમાં કોર્ટે પોલીસની આકરી ટીકા કરી
- સિસ્ટમમાં ફેર લાવવા DGPથી માંડી તમામને પગલાં ભરવા આદેશ
- કસૂરવાર તપાસનીશ અધિકારીને રૂ. 25 હજારનો દંડ ફ્ટકાર્યો
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ટુ વ્હીલર, ફેર વ્હીલર કે કોઇપણ મુદ્દામાલની ચોરીના કેસોમાં પોલીસની નિષ્ક્રિયતા અને આરોપીઓ સાથેની મિલીભગતને લઇ ગુનાનો ભેદ નહી ઉકેલવાના અને મુદ્દામાલ જપ્તીમાં નિષ્ફ્ળતાને લઇ ગુજરાત હાઈકોર્ટે રાજય પોલીસ તંત્રની આકરી ટીકા કરી હતી.હાઈકોર્ટે આ સમગ્ર મામલે પોલીસ તંત્રની સીસ્ટમમાં આમૂલ પરિવર્તન (ધરખમ સુધારા) લાવવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો. વધુમાં, આ મુદ્દાને જનહિતના પરિપ્રેક્ષ્યમાં વિચારણામાં લઇ તાત્કાલિક યોગ્ય અને અસરકારક પગલાં લેવા ખુદ રાજયના ગૃહ સચિવ, ડીજીપી (રાજયના પોલીસ મહાનિર્દેશક, ડીજીપી (લો એન્ડ ઓર્ડર) અને રાજયના તમામ આઇજીને ફ્રમાન કર્યું હતું. હાઇકોર્ટે એટલે સુધી કહ્યું કે, પોલીસ અને સત્તાવાળાઓ પોતાની ફ્રજ અદા કરવામાં નિષ્ફ્ળ જાય તો અદાલત મૂક પ્રેક્ષક બનીને બેસી શકે નહી. હાઈકોર્ટે કટાક્ષમાં જણાવ્યું કે, આપણાં ત્યાં (ગુજરાતમાં) કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ સારી છે. હવે પોલીસની આરોપીઓ અને આવા ગુનેગાર તત્વો સાથેની મિલીભગત બંધ થાય તો સારૂ એમ કહી સરકારને બહુ ગર્ભિત ઇશારો કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું કે, નિર્દોષ નાગરિકો બિનજરૂરી રીતે હેરાનગતિનો ભોગ ના બને તે માટે અસરકારક પગલાં લેવાની પોલીસની ફ્રજ છે પરંતુ પોલીસની બિનકાર્યક્ષમતાના કારણે નિર્દોષ નાગરિકો હેરાન થાય છે અને આવા તત્વો (ગુનેગારો)ને છાવરવામાં આવે છે.
હાઇકોર્ટે આ અંગેનો વિગતવાર અહેવાલ પણ બે સપ્તાહમાં રજૂ કરવા આ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. ઓઇલ ટેન્ક ચોરીના એક કેસમાં પોલીસ દ્વારા મુદ્દામાલ શોધી નહી શકાતાં અને ઉલ્ટાનું ટેન્કસનો મુદ્દામાલ પીગાળીને ફરિયાદીને તે સ્વીકારી લેવા દબાણ કરવા અંગેના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજય પોલીસ તંત્રની ભારે ટીકા કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું કે, કાઇપણ ટુ વ્હીલર, ફેર વ્હીલર કે મુદ્દામાલ ચોરાય તો તે કયારેય એક-બે દિવસમાં મળે છે? નાગરિકો રાહ જોયા કરે…મુદ્દામાલ ગળાઇ જાય (પીગાળી દેવાય), પછી તમારે સોનીના ત્યાં એનઓસી લેવાનું…એટલે કે આખરે તો નાગરિકોએ જ સહન કરવાનું આવે છે. જયાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરાતી હોય છે તે પોલીસને ખબર જ હોય છે કે તેમના એરિયામાં કયાં શું થાય છે? કોણ ચોરી ગયુ છે? હવે આજના અદ્યતન જમાનામાં તો સીસીટીવી પણ છે. તેમ છતાં હમણાં તાજેતરના કેટલાક વાહન ચોરીના કિસ્સાઓમાં પણ અદાલતના ધ્યાન પર આવ્યું કે, પોલીસ તપાસમાં એમ કહે છે કે, સીસીટીવી બ્લર આવે છે, કંઇ બરોબર દેખાતુ નથી.
કસૂરવાર તપાસનીશ અધિકારીને રૂ. 25 હજારનો દંડ ફ્ટકાર્યો
હાઇકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર તપાસનીશ અધિકારી(આઇ.ઓ) સહિતના કસૂરવાર અધિકારીઓ સામે ઇન્કવાયરી કરવા પણ હાઇકોર્ટે રાજયના ડીજીપીને હુકમ કર્યો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ સુરત રેન્જ આઇજીને તપાસ કરી આ મામલાનો અહેવાલ બે સપ્તાહમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં કસૂરવાર તપાસનીશ અધિકારીને રૂ.25 હજારનો સબક સમાન આકરો દંડ પણ ફ્ટકાર્યો હતો અને દંડની રકમ તેના ખિસ્સામાંથી વસૂલવા સરકારને હુકમ કર્યો હતો.


