રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
ગરમીનો પારો આસમાનને આંબશે : ૪3 થી ૪૫ ડિગ્રી તાપમાન જવાની અંબાલાલ પટેલની આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં આકરા ઉનાળાના પ્રારંભ સાથે જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે હવામાનના ખ્યાતનામ નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. એપ્રિલ મહિનાના મધ્યભાગમાં રાજ્યમાં ગરમીનો પારો આસમાનને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને 12 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળશે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા પરામર્શ આપવામાં આવ્યો છે. હવામાનમાં આવી રહેલા આ મોટા ફેરફારની અસર માત્ર શહેરો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ કૃષિ ક્ષેત્ર પર પણ તેની માઠી અસરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, કાળઝાળ ગરમીને કારણે ઉનાળુ પાક, ખાસ કરીને મગફળીમાં ફૂગજન્ય રોગો અને સુકારાનું પ્રમાણ વધી શકે છે. આ ગંભીર સ્થિતિને જોતા ખેડૂતોએ પાક સંરક્ષણ માટે આગોતરા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પણ આ સમયગાળા દરમિયાન પિયત વ્યવસ્થાપન જાળવી રાખવા ખેડૂતોને સૂચિત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જેવા વિસ્તારોમાં પણ ઉષ્ણતામાનમાં મોટો ઉછાળો જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા જિલ્લાઓમાં પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે. ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. 18 થી 22 એપ્રિલની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ અથવા કરા પડી શકે છે. આ કુદરતી વિરોધાભાસ પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા ગાળાના પૂર્વાનુમાન મુજબ, મે મહિનાના મધ્યમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં ચક્રવાતની ગતિવિધિઓ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ‘કાળી આંધી’ જેવા ધૂળના વાવાઝોડા પણ ત્રાટકી શકે છે. આમ, આગામી દોઢ મહિનો ગુજરાત માટે ગરમી અને અચાનક આવતા હવામાન પલટાની દ્રષ્ટિએ અત્યંત પડકારજનક રહેવાનો છે, જેમાં નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને ખેડૂતોની આર્થિક સુરક્ષા બંને દાવ પર રહેશે.


