Updated: Nov 2nd, 2023
– ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નહીં
– દિલ્હીમાં 19 કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને રૂ. 1833 : અગાઉ એક ઓક્ટોબરે રૂ. 202નો વધારો કરાયો હતો
– એક કીલોલીટર વિમાન ઇંધણ એટલે કે એટીએફના ભાવમાં રૂ. 1074નો ઘટાડા
નવી દિલ્હી : તહેવારોની સિઝનમાં જ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૩ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૧૮૩૩ રૂપિયા થઇ ગયો છે. આ સિલિન્ડરનો ભાવ કોલકાતામાં ૧૯૪૩ રૂપિયા, મુંબઇમાં ૧૭૮૫.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૧૯૯૯.૫૦ રૂપિયા થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરમાં ૨૦૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.આમ દિલ્હીમાં એક જ મહિનામાં કુલ ૩૧૦ રૂપિયાનો વધારો થયો છે.
જો કે ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના ઘરેલુ ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયા પર યથાવત રહ્યો છે. આ સિલિન્ડરનો ભાવ કોલકાતામાં ૯૨૯ રૂપિયા, મુંબઇમાં ૯૦૨.૫૦ રૂપિયા, ચેન્નાઇમાં ૯૧૮.૫૦ રૂપિયા રહ્યો છે.
બીજી તરફ વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક કીલોલીટરના ભાવમાં ૧૦૭૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક નવેમ્બરથી દેશમાં છ મોટા ફેરફાર થયા છે. ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૩ રૂપિયાનો વધારો થયો છે. એક કીલોલીટર વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૧૦૭૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
૧૦૦ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે રકમનું બિઝનેસ કરતા ઉદ્યોગપતિઓએ ૩૦ દિવસની અંદર જીએસટી ચલણ અપલોડ કરવાનો રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં ઇક્વિટીના ડેરિવેટિવ સેંગમેન્ટના ટ્રાન્ઝેકશન પર વધુ ટેક્સ ચુકવવો પડશે. દિલ્હીમાં એક નવેમ્બરથી બીએસ-૩ અને બીએસ-૪ ડીઝલ બસોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તારીખથી ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોેપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)એ તમામ વિમાધારકો માટે કેવાયસી ફરજિયાત બનાવી દીધુ છે.