કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આ અંગે આજે સત્તાવાર મંજૂરી આપી દેવાઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોમનવેલ્થ ગેમ્સ અને દેશના યુવા ખેલાડીઓને સંબોધીને નિવેદન આપ્યું છે.
છેલ્લા એક દાયકામાં સ્પોર્ટ નકશામાં ભારત આગળ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું કે, “કોમનવેલ્થ સ્પોર્ટ્સ કાઉન્સિલની જનરલ એસેમ્બલીએ આજે ઔપચારિક રીતે 2030 માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બિડની જાહેરાત કરી. આ દેશ માટે ગર્વની વાત છે. પીએમ મોદીના નેતૃત્વમાં, છેલ્લા એક દાયકામાં, અમે દેશના 18 શહેરોમાં 22 મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું ડેલિગેશન આ અંતિમ નિર્ણય માટે ગ્લાસગો પહોંચ્યું હતું”આ યજમાની મળવાથી ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.
દેશના યુવા ખેલાડીઓ માટે તકો
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આટલી મોટી યોજના અંગે વધુમાં કહ્યું કે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@૨૦૪૭’ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.
આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ- હર્ષ સંઘવી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે”


