વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં ઓશોની એક ચેર હોય એવો એક પ્રસ્તાવ આવ્યો અને એ થયું. મારા પરમ સ્નેહી સત્યવેદાંતજીના નિમંત્રણથી અને અન્ય સર્વ ઓશોભક્તોના નિમંત્રણથી ત્યાં ઓશો ચેરના ઉદ્ઘાટનમાં મારે જવાનું થયેલું. એ દિવસે ત્યાં મેં જે કહેલું એ દોહરાવી રહ્યો છું.
મેં કહ્યું કે ઓશોનો અર્થ જાપાનની ઝેન પરંપરાના મહાપુરુષોએ અથવા તો ઓશોના ભક્તોએ જે કર્યો હોય અથવા તો એનો પારંપરિક અર્થ જે થતો હોય તે. મેં એ દિવસે કહ્યું હતું કે મારી સમજ અને મતિ અનુસાર મારે જો ઓશોનો અર્થ કરવો હોય તો હું એટલો જ કરીશ કે OSHO- ઓશો મીન્સ `ઓન સાઈલન્ટ હેપિનેસ ઓન.’ આપણી પોતાની શાંતિ, આપણું ખુદનું મૌન, જે ભીતરથી પ્રગટ થયાં હોય, ઉધાર નહીં અને આપણી ખુદની પ્રસન્નતા. એ જેનામાં પણ આવી જાય, દુનિયા એને પોકારે, ન પોકારે, બુદ્ધપુરુષોને કશી લેવાદેવા નથી હોતી, પરંતુ મારી દૃષ્ટિએ એ ઓશો છે.
આપણે જે શાંતિની વાતો કરીએ છીએ, આપણે બીજાને શાંત રહેવાનો ઉપદેશ આપીએ છીએ, શું એ આપણી નિજી શાંતિ છે? ખુદને પ્રશ્ન પૂછીએ. આપણે ચિંતન કરીએ કે આપણી શાંતિ ખુદની છે? શાંતિ તો સ્મશાનમાં પણ હોય છે, જેને આપણે સ્મશાનની શાંતિ કહીએ છીએ. ત્યાં કોઈ નથી બોલતા, બધાં ચૂપ થઈ જાય છે. શાંત તો મજબૂરીથી પણ થવું પડે છે. કોઈ મજબૂત માણસ, ક્રૂરકર્મી માણસ આપણને ડરાવીને પણ શાંત કરી દે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિઓ પણ આપણને ચૂપ રહેવા માટે મજબૂર કરી દે છે.
તો અનેક પ્રકારે આપણે શાંત રહેવું પડે છે, પરંતુ એ `ઓન સાઈલન્ટ’નથી, ઉધાર છે. એ રીતે `હેપિનેસ ઓન.’ આપણો આનંદ પોતાનો છે? આપણી પ્રસન્નતા ખુદની છે? બુદ્ધપુરુષો માટે આઠે પહોર આનંદની વાતો આવે છે એ ત્યારે જ થઈ શકે છે, જેનામાં પોતાની ખુદની પ્રસન્નતા હોય છે, ઉધાર નહીં. અથવા તો મૂલ્ય ચૂકવીને ખરીદેલી પણ નહીં, ભીતરથી પ્રગટ થયેલી હોય. જ્યારે ખુદનું કંઈ નથી હોતું, જે ઉધાર હોય છે એ ક્યાં શાશ્વત હોય છે? એ તૂટી જાય છે. `રામચરિતમાનસ’ની એક ચોપાઈ છે,
નિજ સુખ બિનુ મન હોઈ કિ થીરા,
પરસ કિ હોઈ બિહીન સમીરા.
જ્યાં સુધી વ્યક્તિને ભીતરનું પોતાનું મૌલિક સુખ નથી મળતું, ત્યાં સુધી મન ક્યારેય સ્થિર નથી થતું.
હું આપને નિવેદન કરવા માગું છું, મારા વિચાર આપની સાથે શેર કરવા માગું છું. તમે જાણો છો કે હું ક્યારેય ઉપદેશ નથી આપતો, આદેશ પણ નથી આપતો. હું તો સંવાદ કરું છું. શ્રોતા-વક્તા, શ્રોતવ્ય-વક્તવ્ય એ વ્યવહારે ભેદમય છે, પરમાર્થિક રૂપમાં બંનેમાં કોઈ ભેદ નથી. ગુરુ અને શિષ્યમાં પણ વ્યવહારે ભેદ છે, અધ્યાત્મ અને પરમાર્થમાં એમાં કોઈ ભેદ નથી. એટલા માટે તો આદિ જગદ્ગુરુ કહે છે, `ગુરોનૈંવ શિષ્ય: ચિદાનંદ રૂપ: શિવોડહં શિવોડહમ્.’
ભરુચમાં પરમ પૂજ્ય સ્વામી તદ્રુપાનંદજીનો આશ્રમ છે `મનન’. એમણે વેદાંત પર, બ્રહ્મસૂત્ર પર બધા ગ્રંથો પર અધિકારપૂર્વક અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો. એમણે ક્યારેક કહ્યું છે કે સંવાદ કરનારા શ્રોતા-વક્તાને કોઈ જુદા નથી કરી શકતું, કેમ કે એ વ્યવહારે જુદા છે. મારા ગોસ્વામીજી પણ કહે છે, `શ્રોતા વક્તા ગ્યાન નિધિ.’ બંને એક સ્ટેજ પર છે, એક જ ભૂમિકા પર છે, એક જ અવસ્થામાં છે, જ્ઞાનનિધિ. તત્ત્વત: કોઈ ભેદ નથી. એવી રીતે જોઈએ તો તત્ત્વત: જીવન અને મૃત્યુમાં પણ કોઈ ભેદ નથી. એટલા માટે તો શંકર કહે છે, `ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ:’
તો પૂજ્ય સ્વામીજી પાસેથી ક્યારેક સાંભળ્યું છે અથવા તો ક્યાંક પત્રિકામાં વાંચ્યું છે, મને ખબર નથી, પરંતુ મને એનું સ્મરણ થઈ રહ્યું છે. સંવાદ કરનારા લોકોમાં એક ભલે શ્રેષ્ઠ હોય, એક ભલે પોતાની જાતને અજ્ઞાની સમજતા હોય, તત્ત્વત: એ ભેદ નથી. ગુરુ જ શિષ્યમાં ઊતરીને, પોતાને પૂરેપૂરા શિષ્યમાં ઉતારીને એની આત્મજ્યોતિને પ્રગટ કરે છે અને એ જ્યોતિમાં બધા ભેદ-ભ્રમ ટળી જાય છે. સંવાદ કરનારાને કોઈ જુદા કરી દે એ શક્ય નથી.
પ્યાર કરવાની સૌની જુદી જુદી રીત હોય છે. એક માણસ મંદિરમાં જાય છે, ભગવાન પ્રત્યે એની મહોબ્બત છે, પ્યાર છે, ભક્તિ છે તો ફૂલ ચડાવીને પોતાનો પ્યાર વ્યક્ત કરે છે. કોઈ જાય છે તો ભગવાનનાં ચરણોમાં જળ ચડાવીને, ભગવાન કૈલાસપતિ મહાદેવ વિશ્વનાથના શિવલિંગ પર જળનો અભિષેક કરીને પોતાની `મહોબ્બત, પોતાનો પ્યાર વ્યક્ત કરશે. કોઈ મા જગદંબાને ચૂંદડી ઓઢાડીને પોતાનો પ્યાર, પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. કોઈ સંકેતથી પ્યાર વ્યક્ત કરે છે. કોઈ મુસ્કુરાહટથી, કોઈ બોલીને, કોઈ મૌન રહીને પ્યાર વ્યક્ત કરે છે. કોઈ રડીને પ્યાર વ્યક્ત કરે છે. પોતપોતાની વિદ્યા હોય છે. હું મારા દિલની વાતો કહેવા માગું છું. હું આખી દુનિયાને પ્યાર કરી રહ્યો છું એટલે જણાવી રહ્યો છું, મારી રામકથા એ રામકથા તો છે જ, પરંતુ મારી રામકથા એ આપને પ્યાર કરવાની મારી વિદ્યા છે. હું આપની સાથે સંવાદ કરું છું.’
સંવાદ અને સ્વીકાર એ પરમાત્માના પર્યાય છે. ભગવાન રામે સૌનો સ્વીકાર કર્યો, સૌની સાથે સંવાદ કર્યો, એટલે એમને આપણે પરમાત્મા કહીને પોકાર્યા. જોઈએ ખુદનો ખુદ પર ભરોસો. એટલા માટે સંયોગ બને છે ત્યારે હું આપની સાથે સંવાદ કરી લઉં છું, એ રીતે હું આપને મળી લઉં છું, એ રીતે દેશ અને દુનિયાની આબાદી માટે મારી સંવેદના અને મારી મહોબ્બત પ્રગટ કરી રહ્યો છું. જગદ્ગુરુ શંકરાચાર્યએ પણ કહ્યું કે `ન મે જાતિભેદ:’. મને કોઈ જાતિભેદ પણ નથી રહ્યો. ભીતરી શાંતિ અને ભીતરી ખુદની હેપિનેસ એ જ અર્જિત કરીને સાંભળી શકે છે અને એને જ શાશ્વતી બક્ષી શકે છે જેના જીવનમાંથી ભેદ ટળી જાય છે. વેદાંતમાં કેટલાક શબ્દો છે, અભેદાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આનંદાનુભૂતિ, ઈશ્વરની અનુભૂતિ, આત્માનંદની અનુભૂતિ. આ ભેદથી જ્યારે આપણે મુક્ત થઈએ છીએ ત્યારે આપણે અભેદાનુભૂતિનો અનુભવ કરીએ છીએ. એ અભેદાનુભૂતિ જ આપણને શાશ્વત શાંતિ અને સદૈવ પ્રસન્નતાનું વરદાન આપે છે, જે ખુદને માટે ખુદથી નિર્મિત થયેલા છે.