- ટ્રેડ શો બે લાખ સ્ક્વેર મીટર એરિયામાં યોજાશે
- સેમી કંડક્ટર સહિત વિવિધ ક્ષેત્રની વિશ્વરભરની ટોચની કંપનીઓ ભાગ લેશે
- તમામ 12 ડોમમાં મોટાભાગની જગ્યા અત્યારથી જ બુક
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ વર્ષે પણ વાઇબ્રન્ટ દરમિયાન હેલીપેડ ખાતે આવેલ મેદાનમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરાયુ છે. આ ટ્રેડ શોમાં ભાગ લેવા આવતી કંપનીઓએ એક સ્ક્વેર મીટર જગ્યા માટે 13 થી 14 હજારનો ભાવ ચૂકવવાનો રહેશે. આ ટ્રેડ શો બે લાખ સ્ક્વેર મિટર એરિયામાં યોજાશે. ગાંધીનગરનું એક સમયનું હેલીપેડ ગણાતા ગ્રાઉન્ડને આ ગ્લોબલ ટ્રેડ શો માટે ખાસ ડિઝાઇનથી તૈયાર કરાયું છે. અહીં સંપૂર્ણ એર કન્ડીશન ધરાવતા 12 જેટલા વિશાળ ડોમ તૈયાર કરાયા છે.
આ વખતે Techade, Disruptive Technologies & Champion Service ની કંપનીઓ આ ગ્લોબલ ટ્રેડ શોમાં જોવા મળશે. જેમાં સેમીકંડક્ટર ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ઇ-મોબીલીટી, ગ્રીન હાઇડેજન એન્ડ રીન્યુએબલ, ઇમર્જીંગ ટેક, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સ્માર્ટ સિટી, મેઇક ઇન ગુજરાત ફોર ધ વર્લ્ડ , સર્વિસ ટેક, એનવાયરમેન્ટ ટેક જેવી વિવિધ 32 ક્ષેત્રની ટોચની કંપનીઓ આ ટ્રેડ શોમાં ભાગ લેશે. ટ્રેડ શોમાં જગ્યા ફાળવવા માટેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કુલ 12 ડોમને વિવિધ ક્ષેત્રની કંપનીઓ માટે ફાળવી આપવામાં આવ્યા છે. જેમાં એક સ્કેવર મિટરનો ભાવ 13 થી 14 હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેડ શો સ્થળે ડોમ સિવાય ખુલ્લામાં પ્રદર્શની માટેની જગ્યાનો ભાવ પ્રતિ સ્ક્વેર મિટર 5000 નક્કી કરવામા આવ્યો છે. તમામ 12 ડોમમાં મોટાભાગની જગ્યા અત્યારથી જ બુક થઇ ગઇ છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં હેલિપેડ ઉપરાંત બાજુમાં જ આવેલા ટાઉન હોલની સામેની ખુલ્લી જગ્યાને પણ આવરી લેવામાં આવી છે.


