- અંદાજે 100 વીઘા ખેતીલાયક જમીનને વ્યાપક અસર થતી હોવાની રાવ
- કંપનીની જમીનની સાથે ગામ ગૌચર અને ખરાબો આવ્યો હોવાનુ સ્થાનીકોએ જણાવ્યુ
- ખેડા તાલુકાના નાયકા-નવાગામ રોડ પર કંપની આવેલી છે
ખેડા તાલુકાના નાયકા ગામની સીમમાં આવેલ કંપનીએ ગામની ગૌચર, ખરાબો સહીતની જગ્યામાં દબાણ કરીને દુષીત પાણી છોડવાને પગલે ખેતીપાકને ભારે નુકશાન અને કાંસનું પુરાણ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ સાથે સ્થાનિકોમાં બુમરાણ ઉઠી હતી. જેને પગલે કેટલાક જાગૃત નાગરીકોએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અગામી દિવસો ઉગ્ર રજુઆત કરનાર હોવાનુ જણાવ્યુ હતુ. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે રજૂઆતો છતાં તંત્ર લકવાગ્રસ્ત બન્યું છે.
ખેડા તાલુકાના નાયકા-નવાગામ રોડ પર કંપની આવેલી છે. જે કંપનીની જમીનની સાથે ગામ ગૌચર અને ખરાબો આવ્યો હોવાનુ સ્થાનીકોએ જણાવ્યુ હતુ. ગામના ગૌચરમાં પણ કોઇને જવા દેવાતા ન હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો હતો. જમીનમાં રાત્રીના સમયે કંપનીનુ ગંધ મારતું દુષીત પાણી છોડવામાં આવી રહયુ હોવાનો આક્ષેપ સ્થાનીક ખેડુતોએ કર્યો હતો. જેને પગલે ખેડુતોની જમીનમાં પાણી આવતા પાક નષ્ટ થઈ જાય છે.આ અંગે નાયકાના સોમાભાઈ સબુરભાઈ નામના ખેડુતે જણાવ્યુ હતુ કે તેમના નાયકા સીમમાં સરકારી કાંસ આવેલો છે. આ કાંસમાં અગાઉ પાણી આવતુ હતુ. જયારથી કંપની બની ત્યારથી કાંસનુ પુરાણ કરી દેવાતાં કાંસમાં પાણી આવતુ નથી તેવો આક્ષેપ કરાયો હતો. આ કાંસ ખારીકટ કેનાલથી ચલીન્દ્રા થઈને નાયકા સીમ તરફ આવે છે. જે કાંસનુ પુરાણ કરાયુ હોવાનો આક્ષેપ કરાયો હતો. કંપનીના જવાબદારોને અનેક વખત રજુઆતો કરી છે. અનેકવાર સિંચાઈ વિભાગને પણ જાણ છતાં કોઈ જ યોગ્ય કાર્યવાહી થતી નથી. કંપનીની જમીનમાં કાંસ પસાર થતો હોવાને લઈને કાંસનુ પુરાણ કરી દેવાયુ હોવાને કારણે અંદાજીત 100 વીધા જેટલી જમીનના ખેડુતો કાંસના પાણીથી વંચીત રહેતા હોવાનો આક્ષેપ કર્યો છે.ભુતકાળમાં કાંસના પાણીથી ખેડુતો ડાંગર અને ધંઉની સીઝન લેતા હોવાનુ ખેડુત સોમાભાઈ સબુરભાઈએ જણાવ્યુ હતુ.
કંપની દ્વારા રાત્રિના સમયે દૂષિત પાણીના ટેન્કરો ખાલી કરતા હોવાથી ખેતરોમાં નુકસાન : ખેડૂત
શ્રી જીપુરા તાબે નાયકાના જશંવતભાઈ પટેલના જણાવ્યા મુજબ નાયકા સીમમાં આવેલ કંપની દિવસે પાઈપલાઈન મારફતે દુષીત પાણી છોડે છે.રાત્રીના સમયે તેઓ ટેન્કર ભરીને પાણી છોડતા હોવાનો આક્ષેપ કરાયો હતો. કંપનીએ તેની જમીનમાં પાણી છોડતી હોવાને કારણે તેની પાસે આવેલી જમીનમાં પણ આ પાણીની અસર થતી હોવાની લાગણી ખેડુતોએ વ્યકત કરી હતી. ખેડુતે તેના ખેતરમાં કરેલ વાવણીના મોલની યોગ્ય ઉપજ પણ મળતી નથી. જેને પગલે ખેડુતને નુકશાન થતુ હોય છે. ઉપરાંત આ કંપનીમાંથી કાળા રંગની રાખ પણ દિવસરાત ઉડતી હોય છે.જે ઉડતી રાખ ખેડુતોના ખેતરોમાં ઉડીને પડતી હોય છે.જે ખેતરમાં પાક પર પડતા પાક પણ કાળો પડી જતો હોય છે.જેને પગલે ખેડુતોને પાકની યોગ્ય ઉપજ પણ મળતી ન હોવાને કારણે નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. આ વિસ્તારના ખેડુતોને અનેક મશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
ખેડૂતો લેખિતમાં રજૂઆત કરશે તો કંપની સામે કાર્યવાહી કરીશું : ગ્રા.પં.
આ અંગે નાયકા ગ્રામ પંચાયતનો સંર્પક કરતા જવાબદાર સત્તાધીશોએ જણાવ્યુ હતુ કે ખેડુતોએ લેખીત રજુઆત કરી નથી. તેમ છતાં જો ખેડૂતો લેખીત રજુઆત કરશે તો કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.


