રાજકોટમાં કરૂણા અભિયાન અંતર્ગત કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન
સારવાર કેન્દ્રો ઉભા કરી પક્ષીઓને સારવાર આપવાનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે, પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પશુપાલન મંત્રી જીતુભાઈ વાધાણી ના માર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ થઇ ચુક્યું છે ત્યારે સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટના ત્રિકોણબાગ ખાતે ”કરુણા અભિયાન–2026”અંતર્ગત ભારતના સૌથી મોટા કંટ્રોલ રૂમનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિવત ઉદઘાટન કરાયું હતું.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વર્ષ–૨૦૦૬ થી જેમણે સૌપ્રથમ રાજકોટમાં આ પક્ષી બચાવો કેન્દ્ર માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યા અને જેમણે રાજય સરકારને પણ આ કરૂણા અભિયાન માટે પ્રેરીત કરી અને તેથી જ રાજય સરકાર દ્વારા પણ જે સંસ્થાના નામે કરૂણા અભિયાન શરૂ થયું, તેવી રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનને ૩૬૫ દિવસ, ૨૪ કલાકના જીવદયાના મહાયજ્ઞ માટે રાજય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મનીષભાઈ રાડિયા, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, પરસોતમભાઈ પટેલ, સેતુરભાઈ દેસાઈ, સન્નીભાઈ શાહ તથા પશુપાલન વિભાગના રિજનલ ડાયરેક્ટર ડૉ. ગોહિલ સાહેબ, ડીસીએફ યુવરાજસિંહ ઝાલા, પ્રદ્યુમન પાર્ક ઝૂના ડૉ. હિરપરા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, રાજકોટ મહાનગર પાલિકાના વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલ સાહેબ, નેચર એડવેન્ચર ક્લબના ભરતભાઈ સુરેજા, ચંદ્રેશભાઈ પટેલ (કિશાન ગૌશાળા) સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
તા. 10/01/2026 મી થી તા. 20/01/2026 દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાય રહી છે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવ્યો છે.


