સરકારી લાભ લેવા માટે દાવો કર્યો હોવાથી લેવાયા પગલા
રાજકોટ અગ્નિકાંડમાં પોતાના સ્વજનો લાપતા હોવાનું જણાવી લોકોએ ફરિયાદ કરી હતી. જેમાં હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સરકારી લાભ લેવા માટે પોતાના ત્રણ વ્યકિત આગમાં લાપતા થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવાને સરકાર દ્વારા ખોટો ઠેરવવામાં આવ્યો છે અને ૨૭ મૃતદેહોની ઓળખ થઇ ચુકી છે અને તેમના મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. સરકારી લાભ લેવા માટે ખોટો દાવો કરનાર રાજકોટના વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે સરકાર દ્વારા જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું છે કે જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી. બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને ૨૭ મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા ૨૭ લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને ૨૭ મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી કરવામાં આવી હતી.
અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી હતી.
આ બનાવમાં હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ આઈ.પી.સી. ની કલમ ૨૧૧ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી સરકારી લાભ લેવા માટે ખોટો દાવો કરનાર વિજય પંડયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
લાપતા સ્વજનોની ઓળખ માટે પોલીસ દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર
વધુમાં સરકારે જણાવ્યું હતું કે તમામ મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ભાળ આગ દુર્ઘટના પછી મળતી ના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦, SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦, ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવે છે.


