- લગ્નસંસાર બગડે નહીં તે હેતુથી પરિણીતા ત્રાસ સહન કરતી
- 8 વર્ષ સુધી ત્રાસ સહન કરતી પરિણીતાએ આખરે ફરિયાદ નોંધાવી
- મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મહુધાની એક પરિણીતાએ લગ્ન બાદ આઠ આઠ વર્ષ સુધી દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસ, મહેણા ટોણા અને પતિ દ્વારા અવારનવાર દારુ પીને આવી ઘરમાં ધમાલ કરી, પત્નિને મારઝુડ કરી, પિયરમાંથી રુપિયા લઈ આવવા દબાણ કરવાને લઈને કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસ મથકનો આશરો લીધો છે.
મહેમદાવાદના ખાત્રજ ગોગજીપુરામાં રહેતી 28 વર્ષીય પરિણીતાના લગ્ન 2014માં મહુધા તાલુકાના નંદગામ મહુડીયાપુરામાં રહેતા રાકેશ રમેશભાઈ સોઢા પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતાને પ્રથમ સંતાન દિકરાનો જન્મ થયા બાદથી પતિએ દારુ પીવાનું શરુ કરી દીધું હતું. અવારનવાર પતિ દારુપીને ઘરે આવી નાની નાની કામની અને અન્ય બાબતોએ ઝઘડા કરી મારઝૂડ કરી ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું. બાદ પરિણીતાને બીજા સંતાન દિકરાનો જન્મ થયો હતો. બાદ પણ પતિ કોઈને કોઈ બહાના હેઠળ ઝઘડા કર્યા કરતા હતા, અને સસરા તેમને ચઢવણી કરતા રહેતા હતા. પતિ અને સસરા અવારનવાર તુ તારા પિયરમાંથી કંઈ લાવી નથી, રુપિયા અને દાગીના લઈ આવ કહી અવારનવાર દહેજની માંગણી કરતા હતા. જો કે લગ્નસંસાર બગડે નહીં તે હેતુથી પરિણીતા ત્રાસ સહન કરતી હતી. બાદ ગત તા.10-2-24ના રોજ પરિણીતા સવારના પાંચેક વાગ્યે સુઈ રહ્યા હતા. દરમિયાન અચાનક પતિએ આવી બોચીના ભાગે અને થાપાના ભાગે પાઈપથી માર મારી, તુ તા.7-2-24ના રોજ ક્યાં ગઈ હતી કહી વાળ પકડીને આજે તને છોડવાની નથી કહી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બાદ પરિણીતાએ તેના ભાઈને ફોન કરતા ભાઈએ હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી હતી. બાદ આ મામલે પરિણીતાએ પતિ રાકેશ તથા સસરા રમેશ ફુલાભાઈ સોઢા પરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


