- કર્મચારીઓ દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ કરાઇ
- ગામલોકોએ પાલિકાની કેટલ શાખાની ગાડીને રોકી ઉધડો લીધો
- કર્મચારીઓને પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવવામાં આવ્યા
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડીને ગામડાઓમાં મૂકી આવતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. કરીયા ગામના લોકોએ મહાનગર પાલિકાની કેટલ શાખાની ગાડીને રોકી ઉધડો લીધો હતો અને પાલિકા દ્વારા ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ ગામના સરપંચ અને ગામલોકો સામે કરવા તૈયારી બતાવી હતી.
શહેરમાં રખડતા ઢોરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા
જુનાગઢ શહેરમાં રખડતા ઢોરને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે મહાનગર પાલિકાની કેટલ શાખા દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે અને સરકારના નિયમ મુજબ નિભાવ ખર્ચ સાથે ગૌશાળાને મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. કરિયા ગામે મહાનગર પાલિકા દ્વારા 10 જેટલા ઢોરને ગૌશાળાએ મૂકવામાં આવતા હતા ત્યારે સરપંચ અને ગામલોકો દ્વારા મહાનગર પાલિકાની કેટલ શાખાની ગાડીને રોકવામાં આવી હતી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો.
સુપરવાઇઝર દ્વારા તમામ બાબતો લઈને ખુલાસો કરવામાં આવ્યું
મહાનગરપાલિકાની સુપરવાઇઝર દ્વારા તમામ બાબતો લઈને ખુલાસો કરવામાં આવ્યું છે. આ કામગીરી ગૌશાળાએ મુકવા જતા હતા ત્યારે મહાનગરપાલિકાની ગાડી ગામ લોકો દ્વારા ખોટી રીતે રોકવામાં આવી હતી અને કર્મચારીઓને પોલીસ સ્ટેશન લઈ જઈને ધમકાવવામાં આવ્યા હતા. તેમજ કેટલાક આગેવાનો દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવા માટેની તૈયારી કરવામાં આવી છે.
કર્મચારીઓ દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ
સમગ્ર ઘટનાને લઇ વિભાગના કર્મચારીઓ દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ કરવામાં આવી છે. ગઈકાલે જ્યારે મહાન નગરપાલિકાના કર્મચારીઓ ગૌશાળાએ રખડતા ઢોરને મુકવા જતા હતા ત્યારે ગામ લોકો દ્વારા જે જનતા રેડ કરવામાં આવી હતી તેને લઈને કર્મચારીઓએ પોતાની સુરક્ષા અને સલામતી માટેના સવાલ ઊભા કર્યા હતા. અને ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આમ જુનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ થતા ફરીથી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જુનાગઢ વાસીઓને સતાવશે તેવું લાગી રહ્યું છે.


