– વેરા મારફતની આવક સંતોષકારક રહી હોવાનો કરાયેલો દાવો
Updated: Oct 13th, 2023
મુંબઈ : ૯ ઓકટોબર સુધીમાં સીધા વેરાની કુલ વસૂલી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૮ ટકા ઊંચી રહીને રૂપિયા ૧૧.૧૦ લાખ કરોડ રહી હતી. રિફન્ડસને બાદ કરતા સીધા વેરાની વસૂલીનો આંક ૨૧.૮૦ ટકા ઊંચો રહીને રૂપિયા ૯.૬૦ લાખ કરોડ રહ્યાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝના આંકડા જણાવે છે.
વેરા મારફતની આવક સંતોષકારક રહી હોવાનો કરાયેલો દાવો
વર્તમાન નાણાં વર્ષ માટે મુકાયેલા બજેટ અંદાજનો આ આંક ૫૨.૫૦ ટકા જેટલો થવા જાય છે. કોર્પોરેટ આવક વેરામાં ૭.૩૦ ટકા જ્યારે વ્યક્તિગત આવક વેરામાં ૨૯.૫૦ ટકા વૃદ્ધિ થયાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
સીધા વેરાની વસૂલી અત્યારસુધીમાં સંતોષકારક રહી હોવાથી વર્તમાન નાણાં વર્ષ માટેનો બજેટ અંદાજ સિદ્ધ થવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝના ચેરમેન નીતિન ગુપ્તા વિશ્વાસ ધરાવી રહ્યા છે.
રિફન્ડસ બાદ કોર્પોરેટ આવક વેરામાં ૧૨.૪૦ ટકા જ્યારે વ્યક્તિગત આવક વેરામાં ૩૨.૫૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના એસેસમેન્ટ વર્ષ માટે કુલ ૭.૩૦ કરોડ આઈટી રિટર્ન્સ ફાઈલ થયા છે જેમાંથી ૭.૨૦ કરોડની ચકાસણી પૂરી થઈ છે. ૬.૮૦ કરોડ આઈટીઆરની પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હોવાનું પણ ગુપ્તાએ જણાવ્યું હતું.