- કથાકાર મોરારિબાપુ પણ અવસરમાં ઉપસ્થિત રહ્યા
- સાત દિવસના મહોત્સવમાં રાત્રિના સમયે ખ્યાતનામ કલાકારોએ ભજન
- નૂતન મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં સપ્તમ દિને જિગ્નેશદાદાએ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરાવી
ચુંવાળ પંથકના દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામે રૂપાટેકરી વડવાળા ભગવાનના નુતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 108 કુંડાત્મક મહાવિષ્ણુયાગ, કથાકાર જીગ્નેશદાદા(રાધે રાધે)ના શ્રીમુખેથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, રજતજયંતિ મહોત્સવ, સંત સંમેલન સહિત પંચામૃત મહોત્સવનો ગત તા.26મીથી આરંભ થયો હતો. મંદિરના મુખ્ય મહંત 108 પુ.બાલકદાસજી મહારાજના આશિર્વાદ થકી ચુંવાળ પંથકમાં મોટો ઉત્સવ યોજાઈ ગયો છે. આ પંચામૃત મહોત્સવમાં અનેક દાનવીરોએ દાનની વર્ષા કરી હતી.સાત દિવસના મહોત્સવમાં રાત્રિના સમયે ખ્યાતનામ કલાકારોએ ભજન, સંતવાણી અને સાહિત્યનો રસ પણ ભક્તજનોને પીરસ્યો હતો. આ સાત દિવસના મહોત્સવમાં સાક્ષી બનવા કથાકાર મોરારીબાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગના મુખ્ય અધ્યક્ષ સ્થાને વડવાળા મંદિર દુધરેજ જગ્યાના મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજે પણ ભક્ત સમુદાયને આશિર્વાદ આપ્યાં હતાં. નજીકના દેત્રોજ મંદિરના મહંત લખીરામ મહારાજ પણ આ પંચામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પંચામૃત મહોત્સવમાં રાજ્યના અનેક સંતો, મહંતોની ઉપસ્થિતિમાં સંત સંમેલન પણ યોજાયું હતું. આ ઉપરાંત તા.1લી ફેબ્રુઆરીએ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પુર્ણાહુતિ કરાઈ હતી. આ પ્રસંગે પદ્મશ્રી સાહિત્યકાર ભીખુદાન ગઢવી, ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ ધર્મપ્રેમી જનતા પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી હતી.


