- આગામી 4 વર્ષમાં ભારતીય રેલવેની કરવામાં આવશે કાયાપલટ
- ટ્રેનોના ટ્રાવેલ ટાઈમમાં ઘટાડો કરવા માટે કરાઇ રહ્યું છે કામ
- દરરોજ દોડતી ટ્રેનોની સંખ્યા 10748થી વધારીની 13000 કરાશે
તહેવારોની સિઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ થતી જોવા મળે છે. ખાસ કરીને દિવાળી અને છઠના તહેવારો પર લોકો પોતપોતાનાં વતન પરત ફરતા હોય છે. આવી સ્થિતિમાં, ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી લગભગ અશક્ય બની જાય છે. જેના કારણે ઘણા લોકોને કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં ઉભા રહીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ભારતીય રેલ્વે હવે આ સમસ્યાનો અંત લાવવા જઈ રહી છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, હવેથી ચાર વર્ષમાં એટલે કે 2027 સુધીમાં તમામ મુસાફરોને કન્ફર્મ ટ્રેન ટિકિટ મળતી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવેમાં 3 હજાર નવી ટ્રેનો ઉમેરવામાં આવશે.
રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ 10748 ટ્રેનો દોડી રહી છે. તેને વધારીને 13000 ટ્રેનો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રેલ્વે દર વર્ષે ટ્રેક વધારી રહી છે. હવે 4 થી 5 હજાર કિલોમીટરના ટ્રેકનું નવું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. આગામી 3-4 વર્ષમાં 3000 વધુ નવી ટ્રેનો ટ્રેક પર શરૂ કરવાની યોજના છે.
ટ્રાવેલ ટાઈમ ઘટાડવા માટે થઈ રહ્યું છે કામ
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ હાલમાં દર વર્ષે 800 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ સંખ્યાને પણ વધારીને 1000 કરોડ કરવાનું લક્ષ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરીનો સમય ઘટાડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. આ સાથે ટ્રેક વધારવા, સ્પીડ વધારવા અને એક્સિલરેશન અને ડીલીરેશન વધારવા પર પણ કામ કરવામાં આવશે, જેથી ટ્રેનને રોકવામાં અને સ્પીડ મેળવવામાં પહેલા કરતા ઓછો સમય લાગે.
પુશ-પુલ ટેકનિકથી મળશે મદદ
રેલવેના એક અભ્યાસ મુજબ દિલ્હીથી કોલકાતા જવા માટે 2 કલાક 20 મિનિટનો સમય બચાવી શકાય છે પરંતુ જો એક્સિલરેશન અને ડેસીલરેશન વધારી દેવામાં આવે તો… પુશ-પુલ ટેક્નોલોજી દ્વારા એક્સિલરેશન અને ડેસીલરેશન વધારવાથી વર્તમાન ટ્રેનો કરતાં 2 ગણી વધુ મદદ મળશે.
રેલ્વે સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં લગભગ 225 ટ્રેનો વાર્ષિક LHB કોચ વાળી બનાવવામાં આવી રહી છે જેમાં પુશ પુલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો, ‘વંદે ભારત’ ટ્રેનોની એક્સિલરેશન અને ડેસીલરેશનની ક્ષમતા હાલમાં ચાલી રહેલી ટ્રેનો કરતાં 4 ગણી વધુ છે.