- અધ્યક્ષ સમક્ષ આજકાલમાં પટોળા પર ‘ત્યાગપત્ર’ની ભાત પડશે
- લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકીય માથાઓની લે-વેચનું બજાર તેજીમાં
- ભાજપ માટે પાટણ, આણંદ,જૂનાગઢ લોકસભા નબળી !
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માથાઓની લે- વેચનું બજાર જબરજસ્ત તેજીના વાયરે ચઢી રહ્યુ છે. આમ આદમી પાર્ટી- AAPના પાંચમાંથી ભૂપત ભાયણીના ધારાસભ્યપદેથી રાજીનામાના ખેલ બાદ હવે કોંગ્રેસના 17 પૈકી કેટલાક ધારાસભ્યો માટે ત્યાગપત્રનું ‘તાળુ’ ભાજપે ખોલ્યુ છે. આવા તકસાધુ ધારાસભ્યો વિકાસમય થઈને ‘પટોળા’ ઉપર રાજીનામાની નવી ભાત પાડશે. પ્રજા ઉપર ફરીથી પેટા ચૂંટણીઓ થોપવા સંભવતઃ મંગળવારે કે બુધવારે તબક્કાવાર એક પછી એક ધારાસભ્ય રાજીનામા આપશે અને પાછળથી ઓગસ્ટ- 2017થી ચાલ્યા આવતા ઘટનાક્રમ મુજબ ભાજપ ભેગા થઈ જાય એ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ છે.
છ મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે 15મી ગુજરાત વિધાનસભામાં એકથી વધુ મતક્ષેત્રો માટે પેટાચૂંટણી યોજાશે તેવી શક્યતાઓ વિસાવદરથી AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપેલા રાજીનામા પછી સ્પષ્ટ છે. ભાજપે ટિકિટ ન આપતા પક્ષપલટો કરીને AAPમાં જોડાઈ વર્ષ 2022માં ચૂંટાયેલા ભૂપત ભાયણીની જેમ એક વર્ષ અગાઉ કોંગ્રેસની ટિકિટ ઉપર વિધાનસભામાં પહોંચેલા વધુ એક ધારાસભ્ય પણ આવી રમત રમીને સ્વૈચ્છીક રાજીનામું આપી રહ્યાની માહિતી ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્માંથી બહાર આવી છે. મધ્ય ગુજરાતમાં ‘તાળા’ માટે ખ્યાતનામ ક્ષેત્રોમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય આજકાલમાં રાજીનામું આપશે તેવી અટકળો વહેતી થઈ છે.
ભાજપ માટે પાટણ, આણંદ,જૂનાગઢ લોકસભા નબળી !
ભાજપના આંતરીક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 26 માંથી બનાસકાંઠા, પાટણ, આણંદ, અને જૂનાગઢ એમ ચાર લોકસભા મતક્ષેત્રો નબળા છે. એથી, આવા મતક્ષેત્રોમાંથી જનમત સાથે પહેલાથી જ છદ્મવેશે દ્વોહ કરી રહેલા ધારાસભ્યોને તોડવાનુ શરૂ કર્યાની ચર્ચા છે.


