- કર્ણાટક વિધાનસભામાં કથિત રીતે પાકિસ્તાન ઝીંદાબાદના નારા ?
- બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ સંબોધી કોંગ્રેસને લીધા આડેહાથ
- પાકિસ્તાન પ્રેમ હંમેશા કોંગ્રેસના ડીએનએમાં- ગૌરવ ભાટિયા
કર્ણાટક વિધાનસભામાં કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારાને લઇને બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન પ્રેમ હંમેશા કોંગ્રેસના ડીએનએમાં રહ્યો છે.
કોંગ્રેસ ભારત વિરોધી બની ગઇ છે- ગૌરવ ભાટિયા
ગૌરવ ભાટિયાએ કહ્યું કે ગઈકાલે કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી નસીર હુસૈન વિજયી જાહેર થયા હતા. તેમની હાજરીમાં તેમના સમર્થકોએ નારા લગાવ્યા અને “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવ્યા. આજે તેના ડીએનએમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ધરાવતી કોંગ્રેસ પાર્ટીનું વર્તન જોઈને નિરાશા થાય છે. અને તે શરમજનક છે. જ્યારે પણ ભારતીય લોકશાહીની ભાવના ઉજવવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા લગાવવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ દ્વારા આવા કૃત્યોને વખોડવામાં આવતા નથી તે વધુ નિરાશાજનક છે. રાહુલ અને સોનિયા ગાંધીએ પણ મૂક પ્રેક્ષક રહેવાનું નક્કી કર્યું. કારણ કે કોંગ્રેસ આજે ભારત વિરોધી બની ગઈ છે.
મલ્લિકાર્જુન ખડગેએ માફી માગવી જોઇએ- ગૌરવ ભાટિયા
તેઓએ વધુમાં જણાવ્યું કે દરેક નાગરિક પૂછે છે, જ્યારે પણ ભારતની લોકશાહીની જીત થાય છે, ત્યારે કોંગ્રેસ હંમેશા પાકિસ્તાનને કેમ યાદ કરે છે? કોંગ્રેસમાં પાકિસ્તાનનો ડીએનએ છે તેવું કહેવામાં પણ કંઈ ખોટું નથી. ભાજપના નેતાએ આ ઘટના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું કેકોંગ્રેસનો ડીએનએ રાષ્ટ્રવિરોધી બની ગયો છે. અગાઉ, રાહુલ ગાંધીની હાજરીમાં એક જાહેર કાર્યક્રમમાં ભારતના ટુકડે ટુકડા થઇ જશે, ઈન્શા અલ્લાહ, ઈન્શા અલ્લાહ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. શું તમને નથી લાગતું કે કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગવી જોઈએ?
ગુનેગારોને સજા કરાશે- સિદ્ધારમૈયા
તો આ મામલે કોંગ્રેસે આ દાવાઓ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે કાર્યકરો નસીર હુસૈન માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે અવાજના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને જો ભાજપે કરેલા દાવા મુજબ કંઇ હશે તો ગુનેગારોને સજા કરવામાં આવશે.


