- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠક
- રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નામ પર મહોર લાગશે
- અશોક ગેહલોત અને સચિન પાયલટના નામને લઈને સસ્પેન્સ
લોકસભાની ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ એક્શનમાં આવી છે. આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે. હાલમાં જે માહિતિ સામે આવી રહી છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠક યોજાશે. આ સાથે બેઠકમાં 100 ઉમેદવારોના નામોને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નામ પર મહોર લાગશે.તો સાથે જ દક્ષિણ ભારતના મોટાભાગના ઉમેદવારોના નામની ચર્ચા પણ થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યોની બેઠકો પર ચર્ચા થશે. આ સિવાય પાર્ટી ઉત્તર પ્રદેશની કેટલીક સીટો પર પણ ચર્ચા કરી શકે છે.
આ અનુભવીઓને ટિકિટ મળી શકે છે
ઉમેદવારોના નામ મંજૂર થયા બાદ કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રથમ યાદી જાહેર કરી શકે છે. સૂત્રોનું માનવું છે કે કોંગ્રેસ નેતૃત્વ વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા રાખી રહ્યું છે, જ્યાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. તે જ સમયે યુપી પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસીથી અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીને ઉત્તર પૂર્વ દિલ્હીથી ટિકિટ મળી શકે છે. દીપેન્દ્ર હુડ્ડા રોહતકથી ચૂંટણી લડી શકે છે.
આ નેતાઓના નામ પર સસ્પેન્સ ચાલુ છે
અશોક ગેહલોત અને સચિન પાયલટ જેવા મોટા નામોને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. સૌથી મોટું સસ્પેન્સ રાહુલ ગાંધીની સીટ અને પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા પર છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે ગાંધી પરિવારમાંથી કોઈ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં.
જ્ઞાતિના સમીકરણનું ધ્યાન રાખવામાં આવશે
ઉમેદવારોની પસંદગીમાં જાતિ સમીકરણ અને જીતના પરિબળને ધ્યાનમાં રાખવામાં આવશે. સહયોગી રાજ્યોમાં સહયોગી પક્ષો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ઉમેદવારોની પસંદગી કરવા માટે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં વિવિધ ક્ષેત્રો માટે પાંચ સ્ક્રિનીંગ સમિતિઓની રચના કરી હતી. રાજ્ય ચૂંટણી સમિતિને મોકલવામાં આવેલા નામો પર વિચાર કરવા માટે, સ્ક્રિનીંગ કમિટી દરેક બેઠક માટે એક કે બે નામ પસંદ કરે છે અને તેમને કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલે છે, જ્યાં અંતિમ મંજૂરી આપવામાં આવે છે.
સ્ક્રિનીંગ કમિટીની બેઠકો હજુ ચાલુ છે
સ્ક્રિનીંગ કમિટીની બેઠકો હજુ ચાલુ છે. જે સીટો માટે સ્ક્રીનીંગનું કામ પૂર્ણ થયું છે તેના નામ ગુરુવારે CECની બેઠકમાં ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, પીએલ પુનિયા, ટીએસ સિંહ દેવ સહિત કુલ 16 નેતાઓનો સમાવેશ થાય છે.


