- અર્જુન ખાટરીયાએ કોગ્રેસ સાથે છેડો ફાડ્યો
- ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે તેવી ધારણ
- સ્થાનિક કક્ષાએથી સિનિયર નેતાઓને મળી હતી ફરિયાદ
લોકસભાની ચૂંટણી પહેલાં તમામ પક્ષો દ્વારા જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે. જ્યાં રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે. આ અંગે તેમને કહ્યું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહ્યા હતા જેથી પાર્ટીએ આ પ્રકારનો નિર્ણયકર્યો છે.
કોંગ્રેસના રાજકોટ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે અર્જુન ખાટરિયાની સારી પકડ રહી છે. આ વચ્ચે તેમને અચાનક હટાવવાના નિર્ણયથી ફરી જોડતોડની રાજનીતિના અણસાર જોવામાં આવી રહ્યા છે. જોકે અર્જુન ખાટરિયા હાકલપટ્ટી કરવામાં આવી છે પરંતુ ઘણાં સમયથી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી.
અર્જુન ખાટરિયાએ કહ્યુંકે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસને ખટકી રહી છે. આ મુદ્દાઓની વાતને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે. રાજીનામું નથી માગ્યું પણ પ્રદેશ કોંગ્રેસે જ તેના લેટર દ્વારા મને જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા પદથી દૂર કર્યો છે.
જિલ્લા અને તાલુકામાંથી ઘણા કાર્યકરો મારી સાથે ભાજપમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીમાં કોઈ સાથે મારી નારાજગી નથી. મેં કોઈને નુકસાન કર્યું નથી. હંમેશા લોકઉપયોગી કામો અમે સાથે મળીને કર્યા છે, આવતા દિવસોમાં પણ કરીશું. હાઇ કમાન્ડ સાથે મારી કોઈ વાત થઈ નથી. પણ હાઇ કમાન્ડને નાની-મોટી બાબતોનો અણસાર મળ્યો હોય પછી તેઓએ શું નિર્ણય લીધો હોય તે બાબતની મને ખબર નથી.
લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ મોટું ઓપરેશન કરી મુખ્ય વિપક્ષ કોંગ્રેસને વધુ નબળી પાડવા માગે છે. ટૂંક સમયમાં જ પંચાયત, સંગઠન અને સહકારી ક્ષેત્રને સ્પર્શતું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની ધારણા છે. કોંગ્રેસના મોટા માથા સહિત સંખ્યાબંધ કાર્યકરોને ખેડવી ભાજપ જિલ્લા પંચાયતને સંપૂર્ણ અથવા મહદઅંશે કોંગ્રેસમુક્ત કરવા પ્રયાસ કરી રહ્યો છે


