- ગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા પર નીતિશ કુમારે ઉઠાવ્યા હતા સવાલ
- કહ્યું હતું કે કોંગ્રેસને કંઇ ચિંતા જ નથી
- નીતિશ કુમારના નિવેદનથી મલ્લિકાર્જુન ખડગે થયા ખફા
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મંચ હેઠળ એકત્ર થયેલા 28 પક્ષો દરાવતા INDIA ગઠબંધનમાં સ્થિતિ ડામાડોળ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અંદરોઅંદર પાર્ટીઓ વચ્ચે પણ તણાવ જોવા મળી રહ્યો છે તેવામાં I.N.D.I.A.ગઠબંધનને લઇને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે કોંગ્રેસની ભૂમિકાને લઇને સવાલો ઉઠાવ્યા હતા જેને લઇને હવે રાજકારણ ગરમાયું છે.
મલ્લિકાર્જુન થયા ખફા !
વાસ્તવમાં I.N.D.I.A.ગઠબંધનને લઇને છેલ્લા ઘણા સમયથી કોઇ એક્ટિવિટી થઇ નથી રહી જેને લઇને નીતિશ કુમારે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને આમા કોઇ રસ નથી. આ નિવેદનને લઇને કોંગ્રેસ ગભરાઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાબડતોબ બિહારના સીએમ નીતિશ કુમારને ફોન કર્યો હતો.
આ મુદ્દે થઇ વાતચીત
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે વિપક્ષી ગઠબંધનને લઈને વાતચીત થઈ હતી. મલ્લિકાર્જુન ખડગેએ નીતિશ કુમારને ખાતરી આપી છે કે વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધન પર વાતચીત થશે. ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે પટનામાં એક કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તે વિપક્ષી ગઠબંધનની આગામી બેઠકનું આયોજન કરવામાં કોઈ રસ નથી લઈ રહી. આ જ કારણ છે કે નીતિશ કુમાર સાથે ખડગેની ટેલિફોન વાતચીતને નીતિશની નારાજગી દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
કોંગ્રેસને ગઠબંધનની ચિંતા નહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર I.N.D.I.A. મહાગઠબંધનમાં કોંગ્રેસની વર્તમાન ભૂમિકાને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને હવે આની ચિંતા નથી. હાલ કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને વધુ ચિંતિત છે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત છે. I.N.D.I.A ગઠબંધન અને 2024ની ચૂંટણી અંગે કોઈ ચર્ચા નથી. નીતિશ કુમારે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માટે આપણે બધા એક થઈને કામ કરી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસને તેની ચિંતા નથી.
પટનામાં વરસ્યા નીતિશ કુમાર
નીતિશ કુમારે પટનામાં ભાજપ હટાઓ દેશ બચાવો રેલી દરમિયાન આ વાત કહી. પટનાના મિલર ગ્રાઉન્ડના મંચ પરથી નીતીશ કુમારે કહ્યું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ શક્ય છે કે કોંગ્રેસનું ધ્યાન ગઠબંધન તરફ જાય અને પછી તે તમામ પાર્ટીઓને ગઠબંધનમાં બોલાવે, પરંતુ હાલમાં કોંગ્રેસને ચિંતા નથી. કોંગ્રેસના નેતાઓ માત્ર પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે.