- બિહારમાં કોંગ્રેસ અને RJDને ફટકો
- 3 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા
- સમ્રાટ ચૌધરીએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા
લોકસભાની ચૂંટણી આવી રહી છે. તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો પક્ષપલટો કરી રહ્યા છે. તેવામાં બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળને ફટકો પડ્યો છે. કુલ ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
આ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો
કોંગ્રેસ અને આરજેડી છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય સિદ્ધાર્થ, કોંગ્રેસના ધારાસભ્ય મુરારી પ્રસાદ ગૌતમ અને આરજેડી ધારાસભ્ય સંગીતા દેવીનો સમાવેશ થાય છે. 2024ની લોકસભા ચૂંટણી અને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય સિદ્ધાર્થ પટનાની બિક્રમ સીટના ધારાસભ્ય છે, જ્યારે મુરારી પ્રસાદ ગૌતમ મહાગઠબંધન સરકારમાં પંચાયતી રાજ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ રોહતાસ જિલ્લાની બેઠક પરથી વિધાનસભાના સભ્ય છે.
અગાઉ 3 ધારાસભ્યોએ કર્યો હતો પક્ષપલટો
મંગળવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી મહાગઠબંધન છોડીને આવેલા આ ત્રણ ધારાસભ્યોને વિધાનસભામાં લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ નીતીશ સરકારના ફ્લોર ટેસ્ટ દરમિયાન આરજેડીના ત્રણ ધારાસભ્યો ચેતન આનંદ, નીલમ દેવી અને પ્રહવદ યાદવે પક્ષ બદલ્યો હતો. આરજેડી છોડીને આવેલા આ ત્રણ ધારાસભ્યો જેડીયુ કેમ્પમાં જોડાયા હતા.


