- 3 રાજ્યો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત
- મધ્યપ્રદેશમાં ભાજપની જીતને લઇને કોંગ્રેસે કર્યો હતો આક્ષેપ
- દિગ્વિજયસિંહના આક્ષેપ સામે ગિરિરાજસિંહે કર્યો વળતો પ્રહાર
મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે સરકાર બનાવી છે. તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM પાર્ટી સત્તા પર આવી છે. ચૂંટણી હાર બાદ કોંગી નેતાઓ આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે મધ્યપ્રદેશમાં હારને લઇને ઇવીએમ અંગે ભાજપ પર નિશાન તાક્યુ હતું જે મામલે ગિરિરાજસિંહે વળતો જવાબ આપ્યો છે.
વિપક્ષ હારે ત્યારે સવાલ નથી ઉઠાવતી- ગિરિરાજસિંહ
ગિરિરાજસિંહનું કહેવું છે કે આ કોઇ નવી વાત નથી. વિપક્ષ જ્યારે જીતે ત્યારે તો ઇવીએમ પર સવાલ ઉઠાવતા નથી. તેઓની તેલંગણામાં જીત થઇ છે તો ઇવીએમ પર સવાલ ઉઠાવ્યો નહી. પંજાબની જીત વખતે તેમણે સવાલ ઉઠાવ્યો નથી. હિમાચલની જીત પર કોઇ સવાલ ઉઠાવ્યો નહી. તો પછી જ્યારે તેઓ હારે ત્યારે જ ઇવીએમ પર સવાલ ઉઠાવે છે. તેઓએ ઇવીએમ પર સવાલ ઉઠાવવાને બદલે પોતાની ભૂલો અને જનતાના મનમાંથી ઉતરી ગયેલી છબી છે તેને ઉપર લાવવાનો પ્રયા કરવો જોઇએ.
શું કહ્યું હતુ દિગ્વિજયસિંહે ?
આ અંગે દિગ્વિજયસિંહે અગાઉ પ્રહાર કરતા ટ્વિટર પર જણાવ્યું હતું કે ચીપ વાળી કોઇ પણ મશીનને હેક કરી શકાય છે. તેમણે કહ્યું કે મે 2003થી ઈવીએમ દ્વારા મતદાનનો વિરોધ કર્યો છે. શું આપણે પ્રોફેશનલ હેકર્સને આપણી ભારતીય લોકશાહીને નિયંત્રિત કરવાની મંજૂરી આપી શકીએ? આ એક મૂળભૂત પ્રશ્ન છે જે તમામ રાજકીય પક્ષોએ ઉકેલવો પડશે. “ભારતના ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ, શું તમે કૃપા કરીને અમારી ભારતીય લોકશાહીનું રક્ષણ કરશો?”


