- વડાપ્રધાને મધ્યપ્રદેશના ઝાબુઆમાં જાહેરસભા ગજવી
- આદિવાસી સમાજ અમારા માટે વોટબેંક નહીં પણ દેશનું ગૌરવ
- તમારા બાળકોનાં સપના મોદીનો સંકલ્પ અને તમારું સન્માન,વિકાસ મોદીની ગેરંટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના આદિવાસી બહુલ ઝાબુઆ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઝાબુઆમાં 7,500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ભૂમિપૂજન/લોકાર્પણ બાદ તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાપના કળણમાં ફસાઇ ચૂકી છે. તે બહાર નીકળવાનો જેટલો પ્રયાસ કરશે તેટલી વધારે ફસાશે. તેની બે જ તાકાત છે, લૂંટ અને ફૂટ. તે સત્તા પર હોય ત્યારે લૂંટવાનું અને સત્તા બહાર હોય ત્યારે લોકોને લડાવવાનું કામ કરે છે. લૂંટ અને ફૂટ કોંગ્રેસનો ઓક્સિજન છે. કોંગ્રેસનું માત્ર એક જ કામ છે, નફરત. 2023માં મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસની (સત્તામાંથી) વિદાય થઇ છે અને હવે 2024માં તેનો સફાયો નિશ્ચિત છે. કોંગ્રેસને ચૂંટણી વખતે જ ગામ, ગરીબ અને ખેડૂત યાદ આવે છે. ઝાબુઆમાં વડાપ્રધાને આદિવાસી મહાકુંભમાં પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ અમારા માટે વોટબેંક નહીં પણ દેશનું ગૌરવ છે. તમારા બાળકોના સપના મોદીનો સંકલ્પ છે અને તમારું સન્માન તથા વિકાસ મોદીની ગેરંટી છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગામેગામ જઇને કહેતો કે મને ભિક્ષામાં વચન આપો કે તમારી દીકરીને ભણાવશો. 40-45 ડિગ્રી ગરમીમાં હું આ ઝાબુઆ નજીક દાહોદના જંગલમાં નાના ગામોમાં જઇને દીકરીઓની આંગળી પકડીને સ્કૂલે લઇ જવાનું કામ કરતો હતો.
પીએમ મોદીએ ભાજપની 370 બેઠક માટેની જડીબુટ્ટી આપી
વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષ એમ પણ કહી રહ્યો છે કે આ વખતે એનડીએ 400 પાર પરંતુ મને એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે આ વખતે એકલો ભાજપ જ 370ને પાર જવાનો છે. આટલી બેઠકો લાવશો કેવી રીતે? હું તમને એક જડીબુટ્ટી આપું છું. તમારા પોલિંગ બૂથનો છેલ્લી ત્રણ ચૂંટણીનો હિસાબ કાઢો અને ગઇ વખત કરતાં 370 વોટ વધારે લાવો. મતલબ કે પ્રત્યેક પોલિંગ બૂથ પર નવા 370 વોટ પડવા જોઇએ.
વડાપ્રધાને બાળક પ્રત્યે ચિંતા સાથે કહ્યું- બસ બેટા, તારો હાથ દુખશે
પીએમ મોદીના ભાષણ દરમિયાન એક બાળક વારંવાર તેમની તરફ હાથ હલાવી રહ્યું હતું, જે જોઇને મોદીએ તેનો હાથ દુખે નહીં એ માટે તેને હાથ ન હલાવવા કહ્યું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો. તેમણે બાળકને અપીલ કરી કે, મને તારો પ્રેમ મળી ગયો બેટા. કૃપા કરીને તારો હાથ નીચો કરી લે, નહીંતર હાથ દુખવા લાગશે.


