- આજ જાહેર થશે કોંગ્રેસના વધુ ઉમેદવારોના નામ
- મલ્લિકાર્જુન ખડગે કરશે પ્રેસ કોન્ફરન્સ
- પહેલા 39 ઉમેદવારોના નામોના થઈ ચૂકી છે જાહેરાત
દેશમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે જ્યાં એક તરફ પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે અને આજે વધુ 150 ઉમેદવારોના નામો જાહેર થવાની શક્યતા છે તો આજે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોના નામોની બીજી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની બીજી યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા જે 43 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં 7 જનરલ, 13 ઓબીસી, 10 એસટી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતના કુલ 7 નામોની જાહેરાત
કોંગ્રેસે જાહેર કરેલ 43 ઉમેદવારોની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં, કચ્છથી નિતેશ લાલન, પોરબંદરથી લલિત વસોયા, વલસાડથી અનંત પટેલ, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા, બારડોલીથી તુષાર ચૌધરી અને કેન્દ્ર શાસિત દમણ-દીવથી કેતન પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
43 નામોની જાહેરાત
બીજી યાદીની જાહેરાત કરતાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આજે અમે બીજી યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે CECની બેઠક મળી હતી અને આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના લગભગ 43 નામોની યાદીને મંજૂરી આપી હતી.
અશોક ગેહલોતના દીકરાને મળી ટિકિટ
કોંગ્રેસ દ્વારા જે 43 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં 7 જનરલ, 13 ઓબીસી, 10 એસટી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ચૂંટણી લડશે. કમલનાથના દીકરા નકુલનાથ મધ્યપ્રદેશના છિંદવાડાથી ચૂંટણી લડશે. તો ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલ રાહુલ કસ્વા રાજસ્થાનના ચુરુથી ચૂંટણી લડશે. અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને પણ ટિકિટ આપવામાં આવી છે. તેઓ જાલોરથી ચૂંટણી લડશે.

આજે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમિતિમાં સામેલ અનેક નેતાઓ સંબંધિત રાજ્યોના પ્રભારી અને સિનિયર નેતાઓ સાથેની બેઠકમાં હાજર રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસે શુક્રવારે પોતાના 39 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. મહત્વનું છે કે, ગઇકાલે સોમવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાંક રાજ્યોના ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસે 39 નામોની પહેલી યાદી કરી હતી જાહેર
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ 39 નામોની પહેલી યાદીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી એકવાર ફરીથી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બગહેલ રાજનાંદગાંવથી, શશી થરૂર તિરુવનંતપુરમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. CECની બેઠકમાં રાજ્યમાં બનાવવામાં આવેલ સ્ક્રિનિંગ કમિટી દ્વારા મોકલવામાં આવેલ ઉમેદવારોના નામ પર નિર્ણય કરવામાં આવે છે.


