જ્યારે કોઈ વ્યક્તિ અતિશય પીડામાં હોય ત્યારે દવા ન લેવી એ બહુ ક્રૂર હોઈ શકે અને આમ પણ એટલી બધી પીડામાં રહીને જાગરૂકતા જાળવી રાખવી એ કદાચ અઘરું બની શકે, પણ મને વિશ્વાસ છે કે એક એવી વચલી રીત છે કે જ્યાં વ્યક્તિને બેભાન કર્યા વગર દુખાવાને ઘણી હદ સુધી ઘટાડી શકાય. સૌથી અગત્યનું કે જો કોઈ વ્યક્તિ બહારની દુનિયા પ્રત્યે પ્રતિસાદ ન આપી રહી હોય તો પણ તે પોતાની અંદર ઘણી જાગરૂક હોઈ શકે છે. દવા શરીરને ખોટું પાડી શકે છે અને શરીર ખોટું પડવાથી વ્યક્તિ બહારની પરિસ્થિતિઓ પ્રત્યે પ્રતિસાદ ન આપે તેવું બની શકે, પરંતુ તે વાસ્તવમાં જાગરૂક રહેવા માટે વ્યક્તિની અંદર એક આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જોકે, નાર્કોટિક્સ અને બીજી દવાઓના ડોઝ અનુસાર, એક હદ પછી ચોક્કસ વ્યક્તિ પૂરી રીતે બેભાન થઈ જાય છે.
મને લાગે છે કે મોટાભાગના ડૉક્ટરો બસ દુખાવો દૂર કરી શકાય એટલી હદે સિસ્ટમને ખોટી પાડવાનું સુનિશ્ચિત કરતા હશે. અમુક દેશોમાં કેટલાક ડૉક્ટરો બીજી રીતો પણ શોધી રહ્યા છે. જેમ કે, શરીરના જે તે અંગમાં દુખાવો ન થાય તે માટે જ્ઞાનતંતુઓને કામ કરતાં બંધ કરવા અથવા લેસરનો ઉપયોગ કરીને નર્વસ સિસ્ટમને નિષ્ક્રિય કરવી કે જેથી તે દુખાવાના સિગ્નલને આગળ પહોંચાડી ન શકે. આધુનિક ટેક્નોલોજી અને દવાઓ વ્યક્તિને દુખાવામાંથી રાહત અપાવવા માટે ઘણીબધી રીતો શોધી રહી છે – જે સારી બાબત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણસર બીજા કોઈની પીડાનું સમર્થન ન કરી શકે.
જો કોઈ વ્યક્તિ એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં હોય કે જ્યારે દુખાવો અને જાગરૂકતા એકબીજાની વિરુદ્ધમાં હોય, તો હું કહીશ કે પહેલાં દુખાવો ઓછો કરો, કારણ કે જાગરૂકતા એવી વસ્તુ નથી જે તમે કરો છો. જાગરૂકતા ઘણી જુદીજુદી રીતે ઘટિત થઈ શકે છે, કારણ કે જાગરૂકતા જીવન છે. પોતાને શોધવાની તેની પોતાની રીત છે. જાગરૂક થવાનો પ્રયત્ન કરવો જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ ઓછામાં ઓછું અમુક અંશે જાગરૂક જીવન જીવે છે, જો કોઈ વ્યક્તિએ દીક્ષા લીધી હોય, જો કોઈ વ્યક્તિમાં ઊર્જાનું બીજું પરિમાણ રેડવામાં આવ્યું હોય, તો વ્યક્તિ મૃત્યુની ક્ષણે કુદરતી રીતે જાગરૂક થઈ શકે છે. જાગરૂકતા એ કોઈ એવું કાર્ય નથી જે આપણે કરીએ છીએ – તે એક અવસ્થા છે, તે આપણા અસ્તિત્વનું એક પરિમાણ છે. તો, જો કોઈ વ્યક્તિને અતિશય દુખાવામાંથી પસાર થવું ન પડે તે માટે શરીરને ખોટું કરવામાં આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેઓ પ્રતિસાદ ન આપે એવું બની શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ જાગરૂક રહેવા માટે અસમર્થ છે. જો દવાનો ઉપયોગ ખાલી શરીરને ખોટું કરવા માટે કરવામાં આવે તો વાસ્તવમાં જાગરૂક હોવું ખૂબ જ સહેલું બની શકે છે.