– ઊંચા ભાવને કારણે નિકાસ બજારમાં માલ વેચવાનું મુશ્કેલ
Updated: Oct 25th, 2023
મુંબઈ : બાસમતિ ચોખાના લઘુત્તમ નિકાસ ભાવમાં સરકાર ઘટાડો કરવા વિચારી રહી છે. ઊંચા લઘુત્તમ ભાવને કારણે વેપારમાં નુકસાન થઈ રહ્યાની ખેડૂતો તથા નિકાસકારોની ફરિયાદને ધ્યાનમાં રાખી સરકાર ભાવ મર્યાદા ઘટાડી પ્રતિ ટન ૯૫૦ ડોલર કરે તેવી શકયતા છે. બાસમતિનો લઘુત્તમ નિકાસ ભાવ હાલમાં ટન દીઠ ૧૨૦૦ ડોલર છે.
દેશમાં ચોખાની ઉપલબ્ધતા જાળવી ભાવને અંકૂશમાં રાખવા સરકારે વર્તમાન વર્ષના ઓગસ્ટમાં બાસમતિના લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન ૧૨૦૦ નિશ્ચિત કર્યા છે. આ ભાવથી નીચે નિકાસકારો નિકાસ કરી શકતા નથી.
બાસમતિના વૈશ્વિક વેપારમાં ભારતના ભાવ ઊંચા હોવાથી સ્પર્ધામાં ટકી રહેવું મુશકેલ હોવાનું નિકાસકારો દલીલ કરી રહ્યા છે.
ચોખા એ મુખ્ય ખરીફ પાક છે. વર્તમાન મોસમના વાવેતરની કામગીરી પૂરી થઈ છે. પરંતુ ચોખાનો નવો પાક જાન્યુઆરીથી આવવાનો શરૂ થશે. આમ છતાં વિવિધ સ્તરેથી ઉઠેલી માગણીને ધ્યાનમાં રાખી સરકાર નિકાસ ભાવની સમીક્ષા કરી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષનું ચોમાસુ કેટલાક વિસ્તારોમાં અપ્રમાણસર રહેતા સરકારની નજર હાલમાં ચોખાના ઉત્પાદન પર પણ રહેલી છે. દેશના પાંચ રાજ્યોમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હોવાનું ધ્યાનમાં રાખી સરકાર ખાધાખોરાકીના ભાવમાં વધારો ન થાય તેની તકેદારી લેવા માગે છે. ભારત તથા પાકિસ્તાન બાસમતિના મોટા ઉત્પાદક દેશ છે. ભારતના બાસમતિ ચોખાની નિકાસ મુખ્યત્વે યમન, અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ વગેરે દેશોમાં થાય છે.
ઊંચા લઘુત્તમ નિકાસ ભાવને કારણે નિકાસકારોએ ખેડૂતો પાસેથી ચોખા ખરીદવાનું અટકાવી દીધું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.