- નવા બજેટમાં નવી સ્કીમો જાહેર થવાની શક્યતા
- માત્ર 18% વિદ્યાર્થીઓ સાયન્સમાં જતાં હોઈ સ્થાનિકોને વ્હાઇટ કોલર જોબ મળતી નથી
- બહેનોમાં કુપોષણ દૂર કરવા માટેય નવી સ્કીમની વિચારણા
ગુજરાત સરકાર તેના 2024-25ના વર્ષના નવા બજેટમાં વિજ્ઞાન પ્રવાહ અને બહેનોમાં કુપોષણ એ બે વિષયો ઉપર ફોક્સ કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. રાજ્યમાં ધોરણ 10થી વિજ્ઞાનપ્રવાહમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાય તે માટે પ્રોત્સાહનરૂપે કોઈ નવી સ્કોલરશિપ યોજના દાખલ કરવાનું રાજ્ય સરકાર સક્રિય રીતે વિચારી રહી છે. બીજી તરફ વિવિધ વિભાગો દ્વારા ચાલતી કુપોષણની યોજનાઓ એક છત્ર નીચે લાવી બહેનોમાં મોટા પ્રમાણમાં વ્યાપેલું કુપોષણ-એનિમિયાનું નિવારણ કરવા માટે વિચારણા થઈ રહી છે. આ બંને સ્કીમ નવા બજેટમાં જાહેર થવાની શક્યતા છે.
કેન્દ્રના શિક્ષણવિભાગે દેશના મોટા રાજ્યોમાં ધોરણ 10 અને 12ના પરિણામોને આધારે રાજ્યવાર મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરેલો છે, જેમાં ગુજરાતમાં માત્ર 18 ટકા વિદ્યાર્થીઓ જ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ માટે જાય છે, બાકીના 82 ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ કે અન્ય ફેકલ્ટીમાં અભ્યાસ પસંદ કરે છે. ગુજરાતની તુલનામાં દક્ષિણ ભારતના રાજ્યોમાં 60-70 ટકા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરવાનું વલણ ધરાવે છે. આ પરિસ્થિતિને કારણે ગુજરાતના યુવાનોને વ્હાઇટ કોલર જોબ ઓછી મળે છે અને દક્ષિણના રાજ્યોના યુવાનો હાઇલી ટેક્નિકલ તથા ક્વોલિફાઇડ વ્હાઇટ કોલર જોબ મેળવવામાં મેદાન મારી જાય છે. તેથી ગુજરાતના યુવાનોે વધુને વધુ સાયન્સ સ્ટ્રીમમાં ભણવાનું પસંદ કરે તે માટે સરકાર પ્રોત્સાહનરૂપે નવી સ્કોલરશિપ જાહેર કરવા ઉપર ધ્યાન આપી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ સૂત્રો એમ પણ કહે છે કે, રાજ્યમાં નાના બાળકો માટે આઇસીડીએસની યોજના અમલમાં છે અને એ પછીના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ તેમજ ધાત્રી માતાઓ માટે આરોગ્ય વિભાગ, મહિલા બાળ કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ એમ અલગ અલગ વિભાગો દ્વારા જુદી જુદી યોજનાઓ ચાલે છે, તેથી આ બધી યોજનાઓનું એકત્રીકરણ કરી ધોરણ 9થી 18 વર્ષની થાય ત્યાં સુધીની વિદ્યાર્થિનીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા ઉપર ફોક્સ કરવાનું વિચારાયું છે.


