બનાવ આપઘાતનો કે અકસ્માતનો? મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ : FSLની મદદ લેવાઈ
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨3 વર્ષિય એલ.આર.ડી. જવાન મુળ જેતપુરના રહેવાસી ભાર્ગવ બોરીસાગરનું આજે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દસમાં માળેથી રહસ્યમય રીતે પડી જતા તેમનુ મોત થયુ છે. કોન્સ્ટેબલ ભાર્ગવે દસ મંજિલા બિલ્ડીંગ પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે કે, પછી અકસ્માતે પડી જતા મોત થયુ છે તે ચોક્કસ કારણ આ લખાય છે ત્યારે બપોર સુધી બહાર આવ્યુ નથી. બનાવના પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. મોતનું કારણ જાણવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામા આવી હોવાનું પણ જાણવા મળે છે.
આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં બનેલી આ રહસ્યમય ઘટનાની મળતી વિગત મુજબ મુળ જેતપુરમાં રહેતા ભાર્ગવ બોરીસાગરની ભરતી ૨૦૧૮-૨૦૧૯માં એલ.આર.ડી.માં થઇ હતી. હજુ દોઢ વર્ષ પહેલા જ તેનુ પોસ્ટીંગ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં થઇ હતી. અહીં તે રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
મૃતક ભાર્ગવ બોરીસાગરને માધાપર પાસે મહાવીર સોસાયટીમાં ક્વાર્ટર મળ્યુ છે. બન્યુ એવુ કે સવારે તે મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં બનેલા દસ માળિયા પીએસઆઇ આવાસ આવ્યો હતો. જ્યા દસમાં માળેથી નીચે પટકાતા તેમનુ મોત થયુ હતુ. ભાર્ગવે દસમા માળે જઇને છલાંગ લગાવીને આપઘાત કર્યો છે કે, પછી અગાસી પર કોઇ કામ માટે ગયો હશે અને ત્યાથી અકસ્માતે પડી જતા મોત થયુ છે તે હજુ બહાર આવ્યુ નથી. બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે કારણ જાણવા માટે પોલીસ તપાસ ચાલી રહી છે. તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. એફ.એસ.એલ.ની પણ મદદ લેવામા આવી હોવાનું જાણવા મળે છે.
હજુ પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા
મૃતક ભાર્ગવ બોરીસાગરના લગ્ન હજુ પાંચ મહિના પહેલા જ થયા હતા. તેમનુ પોસ્ટિંગ રાજકોટ થયા બાદ તેમના લગ્ન થયા હતા અને માધાપર ચોકડી પાસે મળેલા ક્વાર્ટરમાં પત્ની સાથે રહેતો હતો. બનાવની જાણ થતા જેતપુરથી તેમના પરિવારજનો દોડી આવ્યા છે.
આપધાત કે અકસ્માત હોય તો પણ આ છે રહસ્યના તાણાવાણા
જો બનાવ આપઘાતનો હોય તો સવાલ એ ઉઠે છે કે તે માધાપર ચોકડી પાસે રહેતો અને અને મવડી હેડ ક્વાર્ટર ખાતે આવેલા દસ મંજિલા આવાસમાં શા માટે આવ્યો હશે? ખાસ દસમા માળેથી ઝંપલાવવાના ઇરાદા સાથે જ આવ્યો હોય તો આપઘાત કરવા પાછળનું એવુ તો ક્યુ કારણ હશે કે તેમણે જીંદગીનું આવુ કઠોર અને અંતિમ પગલુ ભરી લીધુ? અને જો બનાવ અકસ્માતનો હશે તો સવાલ એ થાય છે કે, માધાપર ખાતેના તેમના નિવાસસ્થાનેથી મવડી દસ માળની આ આવાસમાં અને એ પણ દસમા મળે ક્યા કામસર જવાનું થયુ હશે? આ તમામ સવાલો રહસ્યના તાણાવાણા સર્જે છે.
મૃતકના સગા કાકા LCB ઝોન-૨માં PSI
મૃતક ભાર્ગવના સગા કાકા પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. હાલ રાજકોટ એલ.સી.બી.(ઝોન-૨)માં પી.એસ.આઇ. છે. બનાવની જાણ થતા પીએસઆઇ બી.વી.બોરીસાગર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે બનાવના કારણ અંગે તે પણ અજાણ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.


