- રાષ્ટ્રપતિ મૂર્મુ ન્યૂઝીલેન્ડની મુલાકાતે, ભારતીય સમુદાયને સંબોધન
- ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધોના વિકાસમાં ભારતીય સમુદાયનું મોટું પ્રદાન
- રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તે વિશ્વમાં લોકશાહીનું પ્રતીક છે
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ટૂંકમાં ભારતનું મહાવાણિજ્ય દૂતાવાસ ખૂલશે. રાષ્ટ્રપતિ મૂર્મુએ આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે અહીં મહાવાણિજ્ય દૂતાવાસ ખૂલતાં ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો વધુ મજબૂત થશે અને ન્યૂઝીલેન્ડમાં વસી રહેલા ભારતીય સમુદાયને પણ લાભ થશે. રાષ્ટ્રપતિ મૂર્મુ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ જાણકારી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ભારતીય મૂળના લોકોની ઉપલબ્ધિને બિરદાવી હતી. રાષ્ટ્રપતિ મૂર્મુ પહેલી જ વાર ન્યૂઝીલેન્ડની મુલાકાતે છે. તેમણે કહ્યું કે,’ભારત અને ન્યૂઝીલેન્ડ બહુ આયામી સંબંધો ધરાવે છે. આ સંબંધોના વિસ્તારમાં ભારતીય સમુદાયનું મહત્ત્વનું યોગદાન છે. મને તે કહેતાં ખુશી થાય છે કે ભારત ઓકલેન્ડ ખાતે ટૂંકસમયમાં મહાવાણિજ્ય દૂતાવાસ શરૂ કરશે. ઓકલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકો લાંબા સમયથી તેની માગણી કરી રહ્યા હતા.’
ભારત વિશ્વમાં લોકશાહીનું પ્રતીક : રાષ્ટ્રપતિ મૂર્મુ
ન્યૂઝીલેન્ડની મુલાકાતે પહોંચેલા રાષ્ટ્રપતિ મૂર્મુએ ગવર્નર જનરલ ડેમ સિંડી કીરો, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન, નાયબ વડાપ્રધાન વિંસ્ટન પીટર્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાને મુદ્દે ચર્ચાવિચારણા પણ કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત તે વિશ્વમાં લોકશાહીનું પ્રતીક છે.


