મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. કપાસીયા તેલ પણ ઉંચકાયું હતું. જોકે આયાતી ખાદ્યતેલો નરમ હતા. મલેશિયા પામતેલ ઘટયું હતું. નવી માગ ધીમી હતી. અમેરિકા સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૩૫ પોઈન્ટ વધ્યા હતા.
સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૫૫૦ તથા કોટન વોશ્ડના રૂ.૮૬૫થી ૮૭૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૫૭૦ તથા કપાસીયા તેલના વધી રૂ.૯૪૦ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૮૧૮ રહ્યા હતા.
ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૮૦ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૬૫ તથા રિફાઈન્ડના રૂ.૯૨૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૫૫ તથા રિફાઈન્ડના રૂ.૯૧૫ બોલાતા હતા. એરંડા વાયદાના ભાવ રૂ.૬૪થી ૬૫ તૂટયા હતા. હાજર એરંડા રૂ.૪૦ ઘટયા હતા જ્યારે હાજર દિવેલના ભાવ રૂ.૮ નરમ હતા.
દરમિયાન, વિશ્વબજારમાં મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે ૫૦ પોઈન્ટ ઘટયો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર તૂટ્યા હતા. મસ્ટર્ડની આવકો રાજસ્થાનમાં અઢી લાખ ગુણી તથા ઓલ ઈન્ડિયા પાંચ લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૬૦૦૦થી ૬૦૨૫ રહ્યા હતા.
મુંદ્રા હઝીરા ખાતે ૭ નવેમ્બર સુધીના ભાવ પામતેલના રૂ.૮૨૦થી ૮૩૦ તથા સોયાતેલના રૂ.૯૧૦થી ૯૨૦ જ્યારે સનફલાવરના ભાવ રૂ.૯૧૫થી ૯૨૫ રહ્યા હતા. સોયાતેલના ભાવ ૨૦ નવેમ્બર સુધીના રૂ.૯૧૫થી ૯૨૫ બોલાઈ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૯૧૫થી ૯૨૦ તથા પામતેલના રૂ.૮૧૫થી ૮૧૭ અને સોયાતેલ રિફાઇન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા.
મધ્ય- પ્રદેશમાં સોયાતેલ રિફાઇન્ડના ભાવ જાતવાર રૂ.૯૦૬થી ૯૩૦ સુધી રહ્યા હતા. ચીનના બજારોમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, સોયાબીનની આવકો મધ્ય- પ્રદેશમાં ૩ લાખ ૫૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૩ લાખ ૮૦ હજાર ગુણી આવી હતી જ્યારે ઓલ ઈન્ડિયા આવકો ૯ લાખ ૨૦ હજાર ગુણી આવી હતી. મધ્ય- પ્રદેશ ખાતે ભાવ રૂ.૪૮૦૦થી ૫૦૫૦ રહ્યા હતા.
નવી મુંબઈ બંદરે યુક્રેન સનફલાવરના ભાવ રૂ.૮૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોયાબીનના ભાવ વધી દોઢ મહિનાની ટોચે પહોંચ્યા હતા. બ્રાઝીલમાં અમુક વિસ્તારોમાં અલ નીનોની અસરના પગલે સોયાબીનના વાવેતર પર અસર પડયાના વાવડ હતા. અમેરિકાની વેધર એજન્સીઓ આવતા વર્ષે સુપર અલ નીનોની અસર વર્તાશે એવી આગાહી કરી છે.