એક તરફ અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓના સુરક્ષિત વાપસીના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, તેની ટેસ્લા કારને સતત નિશાનો બનાવવામાં આવી રહી છે. અમેરિકામાં તેમની ઘણી ટેસ્લા કારને આગ લગાડવામાં આવી હતી જ્યારે ટેસ્લાના માલિકોની અંગત માહિતી પણ લીક થઈ રહી છે. મંગળવારે લાસ વેગાસમાં ટેસ્લાની અનેક કારને આગ ચાંપવામાં આવી હતી. જો કે આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ નથી. કેસની તપાસ કરી રહેલી એફબીઆઈએ આ ઘટનાઓને સંભવિત આતંકવાદી ઘટના ગણાવી છે. એક અધિકારીએ તેને ટેસ્લા પર લક્ષિત હુમલો ગણાવ્યો છે.
મસ્કે આતંકવાદી ઘટના ગણાવી
અહેવાલો અનુસાર, પ્રથમ વાર કેન્સાસ સિટીમાં બે ટેસ્લા સાયબર ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી. બીજી વાર દક્ષિણ કેરોલિનામાં ટેસ્લા ચાર્જિંગ સ્ટેશનમાં આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો ત્રીજી વાર લાસ વેગાસના ટેસ્લાના કંપનીના શોરૂમ ખાતે અનેક કારને આગ લગવવામાં આવી હતી. સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પર વાહનોને આગ લગાડવાના આ વીડિયો શેર કર્યા છે અને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. મસ્કે કહ્યું કે આ પ્રકારની હિંસા ગાંડપણ છે અને સંપૂર્ણપણે ખોટી છે. ટેસ્લા માત્ર ઈલેક્ટ્રિક કાર બનાવે છે અને આવા હુમલા આપણા પર ન થવા જોઈએ.
ટેસ્લા માલિકોની અંગત માહિતી લીક કરી
તે જ સમયે, હેકર્સે ‘ડોજક્વેસ્ટ’ નામની વેબસાઇટ બનાવીને હજારો ટેસ્લા માલિકોની અંગત માહિતી લીક કરી છે. આ વેબસાઇટ પર કાર માલિકોના નામ, સરનામા અને ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વેબસાઈટ પર એક ઇન્ટરેક્ટિવ નકશો પણ છે, જે ટેસ્લા ડીલરશીપ અને ચાર્જિંગ સ્ટેશનના સ્થાનોને હાઈલાઈટ કરે છે. એવી સંભાવના છે કે આ ડેટા લીકથી ટેસ્લા માલિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સે એવી શરત મૂકી છે કે તેઓ ટેસ્લા કારના માલિકોની માહિતી ત્યારે જ હટાવશે જ્યારે તે સાબિત થશે કે તે ટેસ્લા માલિકોએ તેમની ઇલેક્ટ્રિક કાર વેચી છે.


