- કર્મચારીઓની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત
- મોંઘવારીના સમયમાં પગાર વગર જીવન ચલાવવું મુશ્કેલ છે
- ઝડપથી કર્મીઓનો પગાર કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગણી કરાઈ છે
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં આઉટ સોર્સીંગથી કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. આ કર્મીઓને છેલ્લા 3 માસથી પગાર મળ્યો નથી. આથી આ કર્મીઓએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી તાકીદે પગારની માંગ કરી છે. સરકારી વિભાગોમાં આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાકટ પધ્ધતિથી કામ કરતા કર્મીઓનું શોષણ થઈ રહ્યુ છે. મોટા ઉપાડે એજન્સીઓ આવો કોન્ટ્રાકટ તો લે છે. પરંતુ કર્મીઓને નિયમિત પગાર ચૂકવવામાં નિષ્ફળ રહે છે. જેના લીધે ગરીબ પરિવારોને જીવન નિર્વાહ મુશ્કેલ બની જાય છે. આવી જ સ્થિતિ સુરેન્દ્રનગર આરોગ્ય શાખામાં આઉટ સોર્સથી ફરજ બજાવતા કર્મીઓની છે. આ કર્મીઓ 3 માસથી પગારથી વંચીત છે. આથી આ કર્મચારીઓ નૌલીક વાળા, સહદેવસીંહ ઝાલા, શીવુભા રાણા, રાજભા, યોગીરાજસીંહ સહિતનાઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જે.ગોહિલને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ 3 માસથી પગાર ન મળતા કર્મીઓને મોંઘવારીના સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે અને મજબુરીમાં કર્મીઓ વગર પગારે 3 માસથી નોકરી કરી રહ્યા છે. આથી ઝડપથી કર્મીઓનો પગાર કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.


