માનવજીવન ક્ષણભંગુર છે, એમ માની મનુષ્ય નિરપેક્ષતા ધારણ કરે, નમ્ર બને. તમારા ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખી તમારો શરીરરૂપી રથ સીધો ચાલે, તો પછી રામજી પધારે. તમારી ઈન્દ્રિયોને કાબૂમાં રાખો, જિતેન્દ્રિય બનો. તેના માટે ઈશ્વરની સલાહ લેજો. મનની સલાહ લેશો નહીં, કારણ કે મન દગાખોર છે.
રાજા દશરથે દસે ઈન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખ્યા જેથી તેમનો રથ રામજી તરફ જાય છે. પ્રભુ તરફ જાય તે દશરથ. આવા દશરથને ત્યાં ભગવાન પુત્રરૂપે અવતરે છે. દશરથ એ જીવાત્મા છે. આ દશ ઈન્દ્રિયોને જીતી જે જિતેન્દ્રિય બને છે તે દશરથ.
સર્વને રાજી કરે તેને ત્યાં સર્વેશ્વર આવે છે. દશરથ બધી રાણીઓની શી ઈચ્છા છે તે પૂછે છે. સુમિત્રા કહે છે, મારે અલગ રહેવું નથી. મારે કૌશલ્યાની સેવામાં રહેવું છે.
દશરથને થયું આનો પુત્ર મહાજ્ઞાની થશે. કૌશલ્યા તો જ્યારથી રામજી કૂખમાં આવ્યા છે, ત્યારથી ઈશ્વરનું ધ્યાન કરે છે. કૌશલ્યાના રોમરોમથી પરમાત્માના મંગલમય નામનો જપ થતો હતો.
દશરથે પૂછ્યું, `મહારાણી તમારી શી ઈચ્છા છે?’
કૌશલ્યા બોલ્યા, `ઈચ્છા એ જ દુ:ખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી. હું તો આનંદરૂપ છું. મને એકલા ધ્યાન કરવા દો.’
દશરથજીએ આવી વશિષ્ઠને કહ્યું, `ગુરુજી આ તો આવું બોલે છે.’
વસિષ્ઠ કહે છે, `આ શુભ ચિહ્ન છે.’
નવ માસ પરિપૂર્ણ થયા. રાત્રે દશરથજી સૂતેલા હતા. તેમને સુંદર સ્વપ્ન દેખાયું. મારા આંગણે મહાત્મા-ઋષિઓ આવ્યા છે. મને ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજીએ સરયૂમાં સ્નાન કર્યું. ઠાકોરજીનો પંચામૃતથી અભિષેક કર્યો. સ્વપ્નમાં લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજ વારંવાર દર્શન કરે છે, પ્રભુ હસે છે. તેઓ સ્વપ્નમાંથી જાગ્યા; આજે સુંદર સ્વપ્ન દેખાયું. સારું સ્વપ્ન દેખાય તે પછી સુવાય નહીં. વિચાર્યું મારા ગુરુદેવને સ્વપ્ન નિવેદન કર્યું. તેઓ વસિષ્ઠ પાસે જાય છે.
વશિષ્ઠે પૂછ્યું, `પ્રાતકાળમાં કેમ આવ્યા?’
દશરથ રાજાએ કહ્યું, `સ્વપ્નમાં મેં લક્ષ્મીનારાયણની આરતી ઉતારી. મેં જોયું કે નારાયણમાંથી દિવ્ય તેજ નીકળી કૌશલ્યાની કૂખમાં જાય છે.’
વશિષ્ઠજી કહે છે, `આ સ્વપ્નનું ફળ ઉત્તમ છે. પરમાત્મા નારાયણ તારા ઘેર આવવાના છે, તેનું આ સૂચક છે. મને ખાતરી છે, આ સ્વપ્નનું ફળ તને ચોવીસ કલાકમાં જ મળશે. રાજાનો આનંદ સમાતો નથી. મારે ત્યાં ઠાકોરજી આવવાના છે. રાજાએ સરયૂમાં સ્નાન કર્યું. ત્યારબાદ દશરથ રાજા ઠાકોરજીની સેવા કરે છે.
આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં છે. આજે પરમ પવિત્ર રામનવમી છે.’
જેહિ દિન રામ જન્મ શ્રુતિ ગાવહિં।
તીરથ સકલ તહાં ચલિ આવહિં॥
ભગવાન શંકર તો જોષી બની અયોધ્યાની ગલીમાં ફરે છે. ભગવાન શંકરના ઈષ્ટદેવ બાળક રામ છે. પ્રાત:કાળથી દેવો-ગાંધર્વો પ્રતીક્ષા કરે છે. વૈષ્ણવો અતિ આતુર ન થાય ત્યાં સુધી ભગવાનનો જન્મ થતો નથી.
પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ચૈત્ર માસ, સુદ પક્ષ, નવમી તિથિ, બપોરના સમયે દશરથ રાજાને ત્યાં સાક્ષાત્ પરબ્રહ્મા શ્રી હરિ પ્રગટ થયા. જે નિર્ગુણ છે તે ભક્તોના પ્રેમવશ આજે સગુણ બન્યા છે.
જેનું વેદો વર્ણન કરે છે તે જ શ્રી હરિ ભક્તોનું હિત કરવા દશરથ રાજાના પુત્ર બનીને અવતર્યા છે.
આકાશમાંથી દેવો-ગાંધર્વો પુષ્ટિવૃષ્ટિ કરે છે. ભગવાન ચતુર્ભુજરૂપે પ્રગટ થયા. માતાએ સુંદર સ્તુતિ કરી. નાથ, મારા માટે તમે બાળક બનો. તમે મા, મા, કહી બોલાવો. તેમણે માતાને ભાન કરાવ્યું, હું ઈશ્વર છું. ત્યારબાદ ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું અને ભગવાન બે હાથવાળા સામાન્ય બાળક બન્યા. દાસીઓને ખબર પડી. કૌશલ્યાજીના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. કૌશલ્યાએ નવલખો હાર દાસીને આપ્યો. મારો રામ સુખી થાય. હું આનંદથી આપું છું.
દાસી કહે, `મારે કંઈ જોઈતું નથી. મારે તો રામને રમાડવો છે.’ કૌશલ્યાએ દાસીના ખોળામાં રામને આપ્યા. આજે તેનો બ્રહ્મસંબંધ થયો. દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે આવી. મહારાજ, મહારાજ વધાઈ, લાલો ભયો હૈ. સાક્ષાત્ નારાયણ આવ્યા હોય તેવું લાગે છે. દશરથ રાજા વૃદ્ધ થયા છે. તેમને આજે ઘણાં વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર સાધારણ નહીં, પણ સાક્ષાત્ પરમાત્મા પુત્રરૂપે આવ્યા છે.
દરશરથ રાજાએ પ્રથમ ગણપતિ પૂજન કર્યું. એટલું બધું દાન આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી. વશિષ્ઠે વેદમંત્રો ઉચ્ચાર કરી મધમાં મંત્રનો અભિષેક કર્યો છે. દશરથજી અંત:પુરમાં આવ્યા. આજે રામલાલાનાં દર્શનથી બધી દાસીઓ દેહભાન ભૂલી છે. દેહભાન નહીં તો લાજ કાઢે ક્યાંથી? પરમાનંદ થયો. દેવો, ગંધર્વો સૂક્ષ્મરૂપે શ્રી હરિનાં દર્શન કરવા ગયા.
રામ જન્મોત્સવમાં સંઘળાને આનંદ થયો. બધા દેવોને સુખ થયું. એક ચંદ્રને દુ:ખ થયું. રામલાલાનાં દર્શન કરી સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થઈ ગયા. સૂર્યનારાયણ આગળ વધતા જ નથી. સૂર્ય અસ્તમાં જાય તો હું તમારાં દર્શન કરી શકું. ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી, `સૂર્યદેવને આગળ જવાનું કહોને? મને તે તમારાં દર્શન કરવા દેતો નથી.’ ત્યારે રામજીએ ચંદ્રને આશ્વાસન આપ્યું. આજથી હું તારું નામ ધારણ કરીશ. તેમ છતાં ચંદ્રદેવ પ્રસન્ન ન થાય.
રામજીએ કહ્યું, `તમે ધીરજ રાખો. આ વખતે મેં સૂર્યદેવને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી તમને એકલાને જ દર્શન આપીશ. કૃષ્ણાવતારમાં હું મધ્યરાત્રિએ જન્મ લઈશ, એટલે તમને લાભ મળશે.’ કૃષ્ણજન્મ વખતે ત્રણ જ જણા જાગે છે. વસુદેવ, દેવકી અને ચંદ્ર. જે રાત્રે જાગે તેને કનૈયો મળે છે. સૂતો હોય તેને કનૈયો મળતો નથી. જાગવું એટલે?
જાનિયે જીવ તબહિં જગ જગા।
જબ સબ બિસય બિલાસ બિરાગા॥
ગીતાજીમાં કહ્યું છે,
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં
જાગ્રર્તિ સંયમી।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા
નિસા પશ્યતો મુને:॥
સંપૂર્ણ ભૂતપ્રાણીઓ માટે જે રાત્રિ છે, નિત્યશુદ્ધ પરમાનંદને પ્રાપ્ત કરવા તરફ જેઓ દૃષ્ટિ પણ કરતા નથી. તે નિત્યશુદ્ધ પરમાનંદમાં યોગી પુરુષ જાગે છે, તેમાં રમમાણ રહે છે અને જે પ્રાણીઓ નાશવાન ક્ષણભંગુર સાંસારિક સુખોમાં જાગે છે તે સુખો તરફ તત્ત્વને જાણવાવાળા મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી.


