રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાના મૃત્યુ મામલે પોલીસે આરોપીને લાભ આપવા માટે કેસમાં હળવી કલમો લગાવી હોવાનો મૃતકના પિતાએ સીધો આક્ષેપ કર્યો છે. આ કેસમાં ન્યાય ન મળતા ધ્રુવીના પિતાએ હવે સીધા ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે.
પિતાનો ગંભીર આક્ષેપ
મૃતક ધ્રુવી કોટેચાના પિતા દેવાંગભાઈ કોટેચાએ CJIને લખેલા પત્રમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પિતાનો આક્ષેપ છે કે પોલીસે ગંભીર હિટ એન્ડ રનના ગુનાને બદલે તાત્કાલિક જામીન મળી જાય તેવી હળવી કલમો લગાવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે મહિલા આરોપીને લાભ અપાવવા માટે પોલીસે તેને જામીન મળ્યા બાદ જ અકસ્માત સ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા હતા, જેથી પુરાવાઓ સાથે ચેડાં થઈ શકે.
ધરપકડ અને જામીનની ઝડપી પ્રક્રિયા
પત્રમાં દેવાંગભાઈએ આરોપીની અટકાયત અને જામીનની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ૧૦મી ડિસેમ્બરના રોજ મહિલા આરોપીની સાંજે ૫:૦૫ કલાકે અટકાયત કરવામાં આવી હતી અને માત્ર ૪૦ મિનિટમાં, એટલે કે ૫:૪૫ વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી. પોલીસે લગાવેલી હળવી કલમોને કારણે જ આટલી ઝડપી જામીન પ્રક્રિયા શક્ય બની હોવાનો તેમનો દાવો છે. આ ગંભીર અકસ્માત ૭મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સર્જાયો હતો, જેમાં ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પીડિત પિતા દેવાંગભાઈ કોટેચાએ પત્રમાં પોતાની મૃતક દીકરીને ન્યાય મળે અને બેદરકારી દાખવનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી આજીજી સાથે માંગણી કરી છે.
આ પણ વાંચો: સતત પ્રદૂષણનો માહોલ, છેલ્લા એક સપ્તાહથી AQI 200ને પાર, થલતેજમાં સૌથી વધુ 237


