છોટા ઉદેપુરમાં પૂર્વ ગૃહમંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઝડફિયા દ્વારા જાહેર મંચ પર કુખ્યાત ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુનું સન્માન વિવાદમાં સપડાયુ
આક્ષેપો કે પોલીસ ચોપડે ચડી ચુકેલી વ્યક્તિ ભાજપનો પાલવ પકડી લે એટલે વોશીંગ મશીનમાં ધોવાઇને શુધ્ધ થઇ જાય! ભાજપના ભરતી મેળા બાદ વિપક્ષમાંથી આવા અનેક કટાક્ષો થઇ રહ્યા છે. ત્યાંરે છોટાઉદેપુરમાં ભાજપના નવા કમલમ કાર્યાલયની જમીન પર આંતર રાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત બનેલા ભગવતી પ્રસાદ, ઉર્ફે પિન્ટુ જયસ્વાલનું રાજ્યના પુર્વ ગહમંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ જાહેર સન્માન કરતા ભાજપ સામે ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડો.મનિષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના મીડિયા કન્વીનર ડો.મનિષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલ એ એવો એક શખ્સ છે કે, જેની સામે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા જિલ્લાઓ અને તાલુકાઓમાં અંગ્રેજી દારૂનો કારોબાર ચલાવવા અંગે અત્યાર સુધીમાં આઠ ગુના નોંધાઇ ચુક્યા છે. વર્ષ ૨૦૨૨માં છોટાઉદેપુરની પોલીસે ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરીને જેલહવાલે પણ કર્યો હતો. પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબીએ દરોડો પાડ્યો હતો. ભાજપના જ ઇશારે પોલીસને ભીંસમાં લઇને ભગવતી પ્રસાદના દારૂના કારોબારને ઓથ આપવા એસીબીનો દરોડો પડાવવામા આવ્યો હોય તેવુ લાગે છે.
કુખ્યાત શખ્સે ભાજપના કમલમ માટે જમીન આપી!
કોંગ્રેસના મીડીયા કન્વીનર ડો.મનિષ દોશીના કહેવા મુજબ છોટાઉદેપુરમાં જ્યા ભાજપનું કમલમ કાર્યાલય બનવાનું છે. એ જમીન કુખ્યાત શખ્સ ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુએ આપી છે તેવી પણ એક જાહેરાત થઇ હતી. આ સમગ્ર બાબત એવી શંકા ઉપજાવે છે કે, ભાજપ અને અસામાજિક તત્વો વચ્ચેની સાંઠગાંઠ છે.
કુખ્યાત શખ્સ સામે અત્યાર સુધી નોંધાયેલા ગુના
- ક્વાંટ પોલીસ સ્ટેશન : ૧૮/૧૭, નશાબંધી ધારા ૨૦૧૬ની કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ
- કરાલી પોલીસ સ્ટેશન : ૦3/૧૭, નશાબંધી ધારા ૨૦૧૬ની કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ
- છોટાઉદેપુર : ૧3૬/૧૭, ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ની કલમ ૬૫(ઇ), ૯૮(૨) મુજબ
- પાનવડ : ૧૯/૨૦૧૭, પ્રોહી કલમ ૬૫(ઇ), ૯૮(૨) મુજબ
- સાગાટાળા પોલીસ સ્ટેશન : ૦૦3૪/૧૭, ગુજરાત નશાબંધી ધારા ૨૦૧૭ની કલમ ૬૫(ઇ), ૮૧, ૮3, ૯૮(૨) મુજબ
- મોરવા પોલીસ સ્ટેશન : ૦3૦૯/૧૭, ગુજરાત નશાબંધી ધારા, ૨૦૧૭ની કલમ ૬૫(ઇ), ૯૮(૨) મુજબ
- ડભોઇ પોસ્ટેશન : ૧૪૭૯/૧૧, પોહી કલમ ૬૬(૧)(બી), ૬૫ એ ઇ, ૧૧૬(૧)(બી), ૮૧ મુજબ
- તિલકવાડા પોલીસ સ્ટેશન : ૧૮૮/૨૦૧૯, પ્રોહી કલમ ૬૫ એ, ઇ, ૮૧, ૮3, ૯૮(૨) મુજબ


