મારા વિધાન બદલ મેં ક્ષત્રિય સંમેલનમાં માફી માંગી લીધી,લાલબાપુને વંદન કરી આશિર્વાદ પણ લીધા હવે ખમૈયા કરો: પરશોતમ રૂપાલાની અપીલ
મેં મારા ભાષણોમાં રાજવીઓના ભવ્ય વારસાઓને ઘણી બિરદાવી છે તે પણ ધ્યાને લેશો, : પરશોતમ રુપાલાની અપીલ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને પીઢ નેતા પરશોતમ રૂપાલાએ કહયું હતું કે મારા વિધાનથી ક્ષત્રિય સમાજના હ્દયને ઠેસ પહોંચી છે. તેનો મને રંજ છે. આ માટે જયારથી મારુ ધ્યાન દોરાયું ત્યારથી હું જાહેર માફી માગતો આવ્યો છું. ગઇ કાલે ગોંડલ નજીકના ગણેશગઢ ગામે યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં મેં ક્ષત્રિયસમાજના સેંકડો અગ્રણીઓની હાજરીમાં જાહેર મંચ ઉપરથી વધુ એક વખત જાહેર માફી માંગી છે. એટલું જ નહિં ત્યાંથી લાલબાપુના આશ્રમ ગધેથડ જઇ તેમને નતમસ્તક વંદન કરી તેમના પણ આશિર્વાદ લીધા છે. હવે આ વિવાદ કમનસીબ છે. અગ્ર ગુજરાત સાથેની મુલાકાતમાં ભાજપના પીઢ નેતા રૂપાલાએ જણાવ્યુ હતું કે મારુ મન દરેક બાબતે ખુલ્લુ છે. મેં મારી પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં આપણી સંસ્કૃતિ અને વારસા બાબતે ખાસ્સુ ખેડાણ કર્યુ છે. એટલું જ નહિ ભાવનગરના પ્રજાવત્સલ રાજવીને મારા ભાષણોમાં બિરદાવ્યા છે. મહારાણા પ્રતાપની શૂરવીરતાને મેં મારા ભાષણમાં સલામ કરી છે. તેમની યશોગાથા નવી પેઢી સમક્ષ રજૂ કરી છે. જેની લીંક તમને આજે પણ ઇન્ટરનેટ સોશિયલ મિડિયામાં મળી જશે. મારો હેતું કદી જ કોઇને દુભાવવાનો હોઇ નહી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં આપણે નવા ભારતનું નિર્માણ કરવા જઇએ છીએ ત્યારે સર્વ સમાજ સાથે મળી આગળ વધે એ જ મારી ભાવના છે.


