- ACBનું મોટા મગરમચ્છો પ્રત્યે કૂણું વલણ
- વર્ગ-1 અને 2ના માત્ર 73 ઝડપાયા
- એકેય સનદી અધિકારી પકડાયો નહીં
રાજ્યમાં એન્ટિકરપ્શન બ્યૂરો એસીબી દ્વારા ભ્રષ્ટાચાર આચરતાં મોટા મગરમચ્છો પકડવામાં કારણ ગમે તે હોય, પણ ઢીલું વલણ દાખવવામાં આવે છે અને વર્ગ-3 તથા વર્ગ-4નાં નાના કર્મચારીઓની ગેરરીતિ પકડવામાં જોશ બતાવવામાં આવે છે. આ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં વર્ગ-1ના 16 અને વર્ગ-2ના 57 અધિકારીઓનો ભ્રષ્ટાચાર જ પકડવામાં આવ્યો છે, બાકીના 264 નાના કર્મચારીઓ પકડાયા છે.
બુધવારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીએ પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં એવી વિગતો આપી હતી કે, એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. આ તંત્ર તરફથી નાની માછલીઓ પકડવામાં જેટલું જોર લગાવાય છે, તેટલું જોર મોટા મગરમચ્છો પકડવામાં લગાવાતું નથી. તંત્ર દ્વારા ઉક્ત બે વર્ષમાં કોઈ સનદી અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો નથી.


