- 15 કિલો બ્રાન્ડેડ ડબાનો ભાવ રુ.1610 થયો
- દિવાળી દરમિયાન કપાસિયા તેલની માગમાં વધારો
- સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતા
એક તરફ દિવાળીની શરૂઆત થઈ રહી છે ત્યારે બીજી તરફ મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ શકે છે. જેમાં એક પછી એક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેમાં એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બે રૂ. 100નો વધારો થયો છે.
છેલ્લા થોડાં દિવસોથી કપાસિયા અને સીંગતેલના ભાવ સામાન્ય જોવા મળી રહ્યા હતા. આ વચ્ચે માત્ર એક જ દિવસમાં કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1510 હતો જે વધી 1610 ભાવ થયો છે. જેની સાથે જ લોકોને મોંઘાવરીનો મોટો માર સહન કરવો પડી રહ્યો છે.
આ વચ્ચે કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતા જોવામાં આવી રહી છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થયો છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં દિવાળી બાદ પણ લગ્નની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી શકયતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
અગાઉ જોવા મળ્યો ઘટાડો
સીંગતેલના ડબાનો નવો ભાવ 2660 થી 2710 રૂપિયા થયો છે. તેમજ મગફળીની આવક વધવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. મગફળીની આવક વધવાથી પીલાણ પણ ખૂબ જ વધી ગયું હોવાથી ભાવમાં હજુ પણ થોડાં સમયમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે.


