- કર્મીઓની ફરિયાદ સહિતના મુદ્દા એજન્ડામાં લેવાયા
- હંગામી કર્મચારીઓની ભરતીમાં આઉટસોર્સ લવાશે
- તપાસ અહેવાલને લઈ બેઠકમાં સજા અંગેનો નિર્ણય કરાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમન એક્ટના ભાગરૂપે ઘડેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની પ્રથમ બેઠક આગામી તા.8મી ડિસેમ્બરના રોજ મળશે. આ બંન્ને બેઠકમાં હાલની સ્થિતિએ નક્કી થયેલા એજન્ડા મુજબ કાઉન્સિલ અને બોર્ડની બેઠક પેપર લેસ બને તેમજ વર્ચ્યુઅલ પણ બેઠક થઈ શકે એ માટે સભ્યોને ટેબ્લેટ આપવા અંગે નિર્ણય લેવાશે. આ સિવાય યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓની વિવિધ ફરિયાદ સહિતના મુદ્દાઓ, હગામી કર્મચારીઓની ભરતીમાં આઉટ સોર્સ તેમજ HPP કોર્સ અંગે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ યુનિવર્સિટીના રાજયશાસ્ત્રના મહિલા પ્રોફેસરે આજ વિભાગના HOD મુકેશ ખટ્ટીક સામે માનસિક ત્રાસ સહિતની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ વુમન ડેવલપમેન્ટ સેલને તપાસ સોંપાઈ હતી જેનો તપાસ અહેવાલ આવી ગયો છે. તપાસ અહેવાલને લઈ બેઠકમાં સજા અંગેનો નિર્ણય કરાશે. આ સિવાય ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ વનરાજ ચાવડાની ગેરકાયદે નિયુક્તિ અંગે કરવામાં આવેલી રજૂઆત અંગે પણ ચર્ચા થશે. યુનિવર્સિટીમાં એચપીપી અંતર્ગત ચાલતાં ડિપાર્ટમેન્ટ ઓફ્ એનીમેશન, આઇટી-આઇએણ અને મોબાઇલ એપ્લીકેશનના કો-ઓર્ડિનેટર તરફ્થી આવેલા પત્રો અંગે ચર્ચા-વિચારણા થશે.
કેજરીવાલ કેસમાં વકીલને ખર્ચ આપવા સહિતના નિર્ણયો કરાશે. ભવન્સ કોલેજને એચપીપી કોર્સ માટે આપેલી મંજૂરી ઉપરાંત સ્કૂલ ઓફ્ પરફોર્મિંગ આર્ટસ ના ચીફ્ કો-ઓર્ડિનેટર દ્વારા કુલપતિને લખાયેલા પત્ર અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સિવાય ગુજરાત યુનિ. કાર્યાલય તેમજ અન્ય ભવનોમાં હંગામી કર્મચારીઓની જે નિમણુક કરવામાં આવે છે તેમાં આઉટસોર્સ લાગુ કરવાની પણ ચર્ચા બેઠકમાં થશે. યુનિવર્સિટીના સેલ્ફ્ ફાઈનાન્સ ધોરણે ચાલતાં સમાજકાર્ય વિભાગમાં ખોટી અને ગેરકાયદે નિમણૂંક રદ કરવા માટે કરાયેલી રજૂઆત અંગે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નવા એક્ટ બાદ ઘડાયેલ બોર્ડ અને કાઉન્સિલની આ પ્રથમ બેઠક મળનારી છે, જેમાં યુનિ. દ્વારા દાખલો બેસે એ પ્રકારના નિર્ણયો લેવાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.


