ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સંવાદ યોજાયો
આઇસ્માર્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્થાપકે માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર આઈ સ્માર્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. મહેશ લોહાર સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંવાદમાં ડૉ. મહેશ લોહાર દ્વારા GCCI અને સ્માર્ટ લાઇફ ફાઉન્ડેશન વચ્ચે થયેલ MoUનો મુખ્ય ઉદ્દેશ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ડૉ.વલ્લભભાઈ કથીરિયાના ગૌ આધારિત બ્રાઉન રિવોલ્યુશનના વિઝનને વૈજ્ઞાનિક અને ચેતનાત્મક માળખા સાથે સંકલિત કરવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત “ગૌ ચેતના”ને માત્ર ભાવના તરીકે નહીં પરંતુ એક વૈજ્ઞાનિક, પર્યાવરણલક્ષી અને જીવંત ઇકોસિસ્ટમ તરીકે રજૂ કરવામાં આવી હતી. ગાય ને ગ્રામ્ય અર્થતંત્રના કેન્દ્રમાં રાખીને “કામધેનુ”ના આધુનિક સંશોધન અને વિજ્ઞાન સાથેના સંબંધને વિશેષ રીતે સમજાવવામાં આવ્યો હતો.
વિશેષરૂપે, “ગૌ ટેક ૨૦૨૬” દરમિયાન યોજાયેલ ગૌ કેન્દ્રિત કામધેનુ સંશોધન કોન્ફરન્સમાં રજૂ થયેલ સંશોધન પેપર્સ અને પોસ્ટર્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગૌ ધ્યાન કૂટિર, ગૌ પરિક્રમા, ગૌ યજ્ઞ અને અગ્નિહોત્ર અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સંવાદ દરમિયાન “ડિજિટલ કામધેનુ કોન્ફરન્સ સ્મૃતિગ્રંથ” તૈયાર કરવાની અને ગૌ આધારિત સંશોધનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.


